Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

હવે આવે છે પતંજલિનું 'શુધ્ધ સ્વદેશી જીન્સ'

પતંજલિ બનાવશે ૩ હજાર જેટલી એપરલ્સ પ્રોડકટ્સ અને ખોલશે ૧૦૦ સ્ટોર

નવી દિલ્હી તા. ૧૫ :FMCG માર્કેટમાં ધમાચકડી મચાવ્યા બાદ હવે પતંજલિ આયુર્વેદ એપરલ્સ માર્કેટ (તૈયાર કપડાંનું બજાર)માં તોફાન મચાવવાની યોજના બનાવી રહી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં તેની કલોથિંગ બ્રાન્ડ 'પરિધાન' લોન્ચ કરવા જઈ રહી હોવાનું પતંજલિના એમડી અને કો-ફાઉન્ડર આચાર્ય બાલક્રિષ્નને એક ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કપડાં થર્ડ-પાર્ટી દ્વારા કંપનીમાં જ બનાવવામાં આવશે.

બાલક્રિષ્નને કહ્યું કે, કંપનીના એપરલ બિઝનેસને સંભાળવા નોઈડા ખાતે એક ટીમ બનાવવામાં આવશે. મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં પતંજલિ ૧૦૦ એકસકલુઝિવ સ્ટોર ખોલશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

પતંજલિના સ્થાપક બાબા રામદેવે અગાઉ જણાવ્યું હતું કે, તેમની કંપની કિડ્સવેર, યોગા વેર, સ્પોર્ટ્સ વેર, કેપ્સ, શૂઝ, ટોવેલ્સ, બેડશીટ્સ અને એસેસરીઝ સહિત ૩,૦૦૦ જેટલી પ્રોડકટ્સ બનાવશે. જોકે, તે બધામાં સૌથી વધુ ચર્ચિત સ્વદેશી જીન્સ છે. જે કંપનીના જણાવ્યા મુજબ ભારતીય હવામાનને અનુકૂળ હશે.

બાલક્રિષ્નને બે વર્ષ પહેલા અમારા સહયોગી ન્યૂઝ પેપર ઈકોનોમિકસ ટાઈમ્સને જણાવ્યું હતું કે, 'જીન્સ એ વેસ્ટર્ન કોન્સેપ્ટ છે. આપણે વેસ્ટર્ન કોન્સેપ્ટ સાથે બે બાબત કરી શકીએ, એક તેનો વિરોધ કરીએ કે પછી તેનો સ્વીકાર કરીએ, પણ તેને આપણી સંસ્કૃતિમાં ઢાળીને. જીન્સ ઘણું જ લોકપ્રિય છે અને તેને ભારતમાંથી દૂર કરી શકાય તેમ નથી. સ્વદેશી જીન્સની સ્ટાઈલ, ડિઝાઈન અને ફેબ્રિકમાં ભારતીયપણું હશે.'

તેમણે કહ્યું હતું કે, 'ડેનિમ જીન્સ વિદેશથી આવે છે અને પશ્વિમી કંપનીઓ તેને અહીં બનાવે છે. તે પશ્વિમી દેશોના કલ્ચર મુજબ બનાવાય છે. તે ભારતીય કલ્ચરને અનુરૂપ નથી હોતા. અમારું જીન્સ ઘણાં ભારતીય કપડાં જેવું જ હશે. તે ભારતીય મહિલાઓને પણ પહેરવામાં આરામનો અનુભવ કરાવશે.' સાથે જ તેમણે કહ્યું હતું કે, મહિલાઓ માટેનું જીન્સ લૂઝ હશે જેથી ભારતીય સંસ્કૃતિ જળવાય અને તેમને કન્ફર્ટેબલ રહે.

હિંદુસ્તારન લિવર, નેસ્લે અને કોલગેટ જેવી FMCGની મહાકાય કંપનીઓની ઉંઘ ઉડાડી દીધા બાદ જો પતંજલિના જીન્સ યુવાનોને પસંદ આવી ગયા તો લેવિસ અને વ્રેન્ગલર જેવી મોટી એપરલ્સ બ્રાન્ડ્સને જબરજસ્ત સ્પર્ધાનો સામનો કરવો પડશે.

(10:21 am IST)