Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

અમેરિકા આ વર્ષે ૧૦ લાખ ભારતીયોને વિઝા આપશે

ભારત ટોચની અગ્રતાએ !

વોશીંગ્‍ટન,તા. ૧૪: અમેરિકા જનારા ભારતીયો માટે રાહતના સમાચાર આવ્‍યા છે. ભારતીય નાગરિકો માટે વિઝા સ્‍લોટ ખોલ્‍યાના લગભગ એક મહિના પછી, યુનાઇટેડ સ્‍ટેટ્‍સે હવે જાહેરાત કરી છે કે, તે આ વર્ષે ૧૦ લાખ ભારતીયોને વિઝા આપશે. અમેરિકા દૂતાવાસના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે અમે ભારતમાં અમારી દૂતાવાસ અને કોન્‍સ્‍યુલેટમાં બે લાખથી વધુ અરજીઓ પર પ્રક્રિયા કરી ચૂક્‍યા છીએ અને અમે ૨૦૨૩માં ૧૦ લાખથી વધુ નોન-ઇમિગ્રન્‍ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરવાના અમારા લક્ષ્યને હાંસલ કરવા માટે તૈયાર છીએ.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, યુએસ એમ્‍બેસીના પ્રવક્‍તાએ કહ્યું કે, અમારું લક્ષ્ય ૧૦ લાખ વિઝા અરજીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાનું છે, જેમાં તમામ કેટેગરીના નોન-ઇમિગ્રન્‍ટ વિઝા સામેલ છે. આ ધ્‍યેય હાંસલ કરવા માટે, દૂતાવાસ વધુ સ્‍ટાફ ઉમેરી રહ્યું છે, તેમજ ડ્રોપ-બોક્‍સ સુવિધાઓનો વિસ્‍તાર વિસ્‍તારી રહ્યા છીએ. દૂતાવાસ અનુસાર, ૨૦૨૨ માં, યુએસ સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટે વિશ્વભરમાં લગભગ નવ મિલિયન નોન-ઇમિગ્રન્‍ટ વિઝા અરજીઓ પર પ્રક્રિયા કરી હતી.

નોન-ઇમિગ્રન્‍ટ વિઝા કેટેગરીમાં બિઝનેસ, ટ્રાવેલ, સ્‍ટુડન્‍ટ વિઝા અને ક્રૂ વિઝાનો સમાવેશ થાય છે. ૧૦ લાખથી વિઝાનો ધ્‍યેય હાંસલ કરવા અને પ્રક્રિયાને સુવ્‍યવસ્‍થિત કરવા માટે, એમ્‍બેસી વધુ સ્‍ટાફ ઉમેરી રહી છે, ડ્રોપ-બોક્‍સ સુવિધાઓનો વ્‍યાપ વિસ્‍તારી રહી છે અને સપ્તાહના અંતે ઇન્‍ટરવ્‍યુ માટેનો સ્‍લોટ ખોલી રહી છે. વિઝા માટે રાહ જોવાનો સમય પહેલાથી જ ઘણો ઓછો થઈ ગયો છે.

જાન્‍યુઆરીમાં, યુએસ એમ્‍બેસીએ વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પ્રથમ વખત અરજદારો માટે શનિવારે વિશેષ ઇન્‍ટરવ્‍યુ સ્‍લોટ ખોલ્‍યા હતા. યુએસ મિશન, જે રાષ્ટ્રીય રાજધાની દિલ્લી સિવાય મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં ઓફિસ ધરાવે છે, તેણે તેના કોન્‍સ્‍યુલર સ્‍ટાફમાં પણ વધારો કર્યો છે, એમ પ્રવક્‍તાએ એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

દૂતાવાસના પ્રવક્‍તાનું કહેવું છે કે, ૧૦ લાખ વિઝા યોજના ભારત માટે એક અનોખો પ્રયાસ છે. જે બંને દેશો વચ્‍ચેના લોકો વચ્‍ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. તાજેતરમાં, યુએસ વિઝા મેળવવા માંગતા ભારતીય નાગરિકો માટે ઇન્‍ટરવ્‍યુમાં મુક્‍તિનો અવકાશ પણ લંબાવવામાં આવ્‍યો હતો. ડ્રોપ-બોક્‍સ સુવિધા, જેનો ઉપયોગ ઇન્‍ટરવ્‍યુમાં ગયા વિના યુએસ વિઝા રિન્‍યૂ કરવા માટે થાય છે, તે હવે વિદ્યાર્થી વિઝા, બિઝનેસ અને ટૂરિસ્‍ટ વિઝા અને કુશળ કારીગરના વિઝા સહિતની વિવિધ શ્રેણીઓ માટે લાગુ થાય છે.

(12:00 am IST)