Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું : કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા : ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ

ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો : કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ : ડેનવરને જોડતી ૨૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્

ડેનવર :અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું છે. કોલોરાડો, નેબ્રાસ્કા અને વ્યોમિંગમાં ભારે બરફવર્ષા થઈ હતી. ઠેર-ઠેર ત્રણ-ત્રણ ફૂટ સુધીનો બરફ જામી ગયો હતો. કોલોરાડોના કેટલાક વિસ્તારોમાં તો ૧૪૦ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.

અમેરિકાના કોલોરાડોમાં ભારે બરફવર્ષા થઈ હતી. ડેનવરને જોડતી ૨૦૦૦ જેટલી ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. ઠેર-ઠેર બરફના થર જામી ગયા હતા. સરકારી વિભાગોના આંકડા પ્રમાણે ૩૨ હજાર ઘરોમાં વીજળી ગૂલ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ભારે બરફવર્ષાના કારણે અસંખ્ય લોકોએ અંધારપટ્ટમાં રાત વીતાવી હતી.
બરફના તોફાનમાં ૫૦ લોકો ફસાઈ ગયા હતા. કેટલાક વાહનો સાથે ફસાયા હતા. એ બધા જ લોકોને રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કોલોરાડોમાં ભારે બરફના તોફાનના કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. લોકોને અનિવાર્ય કારણો વગર બહાર ન નીકળવાની પણ ચેતવણી સરકારે આપી હતી. કોલોરાડો ઉપરાંત વ્યોમિંગ અને નેબ્રાસ્કામાં પણ ભારે બરફ પડયો હતો. ત્રણ-ત્રણ ફૂટ બરફના થર જામી ગયા હતા.
નેશનલ વેધર સર્વિસના અહેવાલમાં કહેવાયું હતું કે આ વિસ્તારોમાં ૯૦થી લઈને ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. કોલોરાડોના ઘણાં સ્થળોએ ૮૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનું શરૃ થયું હતું. બરફવર્ષાના કારણે અસંખ્ય મુખ્ય રસ્તા બંધ થઈ ગયા હતા. એ રસ્તાઓને ખોલવા માટે સ્થાનિક તંત્રએ મથામણ આદરી હતી.

(11:38 pm IST)