Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

યુએસ સરકાર ઈન્ટરનેટ પર વોચ ગોઠવવા નથી માગતી

વિવિધ વિભાગો અને કંપનીઓ પર હેકિંગનો ખતરો : ઈન્ટરનેટ પર વોચ ગોઠવવામાં આવે તો નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મૂકાય એવું પગલું ભરવામાં નહીં આવે

વૉશિંગ્ટન , તા. ૧૫ : અમેરિકન સરકારના વિવિધ વિભાગો પર અને અમેરિકન કંપનીઓ પર હેકિંગનો ખતરો વધી ગયો છે. ચીન-રશિયાના હેકર્સ સતત અમેરિકાને નિશાન બનાવીને હેકિંગના પ્રયાસો કરી રહ્યાં છે.

હેકિંગના એ પ્રયાસોની જાણકારી અમેરિકાના પ્રમુખને આપવામાં આવી હતી. અમેરિકન સરકારના સાઈબર એક્સપર્ટ્સે જો બાઈડેનને હેકિંગ અંગેનો અહેવાલ આપ્યો હતો, પરંતુ બાઈડેન ઈન્ટરનેટ પર વૉચ ગોઠવવાના પક્ષમાં નથી.

અમેરિકન સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે સતત હેકિંગ થવા છતાં પ્રમુખ ઈન્ટરનેટ પર વોચ ગોઠવશે નહીં, કારણ કે જો ઈન્ટરનેટ પર વોચ ગોઠવવામાં આવે તો તેનાથી નાગરિકોની પ્રાઈવસી જોખમમાં મૂકાય શકે. નાગરિકોની પ્રાઈવસી જોખમાય એવું પગલું ભરવામાં નહીં આવે.

હેકિંગને અટકાવવા માટે સુરક્ષા વધારે મજબૂત કરવાની દિશામાં વિચારાઈ રહ્યું હોવાનું અમેરિકન અધિકારીએ કહ્યું હતું. ખાનગી કંપનીઓના નિષ્ણાતો સાથે વ્હાઈટ હાઉસના અધિકારીઓએ બેઠક કરી હતી. એ દિશામાં કેવાં કેવાં પગલાં ભરી શકાય તે માટેની વિચારણા થઈ હતી.

અમેરિકન કંપનીઓને સર્વેલન્સની જવાબદારી સોંપવાની ચર્ચા અત્યારે અમેરિકામાં ચાલી રહી છે, પરંતુ તેનાથી પણ લાંબાંગાળે દસ્તાવેજો લીક થવાની શક્યતા છે. અગાઉ એડવર્ડ સ્નોડેને દસ્તાવેજો તફડાવ્યા હતા. તે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનો કોન્ટ્રાક્ટર હતો અને તેણે દસ્તાવેજો લીક કર્યા હતા.

એવું ફરી વખત ન થાય તે માટે સરકાર અમેરિકન એજન્સીઓને પણ દેખરેખની જવાબદારી નહીં સોંપે, તેના બદલે સાઈબર સુરક્ષા અને પ્રાઈવસી બંનેનું સંતુલન જળવાય તેવાં પગલાં ભરવાની દિશામાં કામ થશે એવું અમેરિકન સરકારના અધિકારીએ કહ્યું હતું.

(8:29 pm IST)