Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમદાવાદમાં કોરોનાનો કહેર : 8 વોર્ડમાં રાતના 10 વાગ્યા બાદ દુકાન-મોલ બંધ રાખવા આદેશ

જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.: રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રખાશે : માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.

કોરોના મહામારી વધતા અમદાવાદમાં રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂનને પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ થતા વેપારી-લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે જ્યા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે તે આઠ વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 શ્રેણી રમાઇ રહી છે. આ સ્ટેડિયમમાં 50 ટકા બેઠકની ફાળવણી છતા મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે પહોચે છે. આ સ્ટેડિયમમાં કેન્દ્ર સરકારની કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થતુ નથી. રવિવારે રમાયેલી મેચમાં આશરે 1 લાખ જેટલા લોકો મેચ જોવા પહોચ્યા હતા અને આ દરમિયાન કોઇએ માસ્ક પણ પહેર્યુ નહતુ અને સોશિયલ ડિસ્ટસિંગનો પણ અભાવ જોવા મળતો હતો. ક્રિકેટ સ્ટેડિયમમાં જો કોરોના ફેલાય તો તે માટે કોને જવાબદાર ગણવા તે પ્રશ્ન લોકમુખે ચર્ચાઇ રહ્યો છે. જોકે, ક્રિકેટ મેચ રમાતી હોવાથી 20 માર્ચ પછી જ આખા શહેરમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારવામાં આવે તેવી શક્યતા લાગી રહી છે. ફરી અમદાવાદીઓની તાળાબંધી કરવામાં આવે તો નવાઇ નહી.

(7:43 pm IST)