Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતે પીએમ નરેન્દ્ર મોદીની તુલના રામ અને કૃષ્ણ સાથે કરી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા : પીએમ નરેન્દ્ર મોદીને આવનારા સમયમાં લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા લાગશે એવો મુખ્યમંત્રીનો દાવો

નવી દિલ્હી, તા. ૧૫ : ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તીરથસિંહ રાવતની વરણી થઈ છે.જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યા નથી.

જોકે હરદ્વારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીના વખાણ કરવામાં તેમણે તમામ હદો વટાવી દીધી હતી અને પીએમ મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી નાંખી હતી.

રાવતે કહ્યુ હતુ કે, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવન રામ અને કૃષ્ણને તેમના કામોના કારણે લોકો ભગવાન માનવા માંડ્યા હતા તેજ રીતે પીએમ મોદીને આવનારા સમયમાં લોકો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા માંડશે.

તેમણે કહ્યું હતુ કે, પીએમ મોદી એક ચમત્કારિક વ્યક્ત છે.તેમના પહેલા ભારતના વડાપ્રધાનોને દુનિયામાં ખાસ મહત્વ મળતુ નહોતુ પણ આજે દુનિયાભરના મોટા મોટા નેતા પીએમ મોદી સાથે ફોટો ખેંચાવવા માટે પણ ઈચ્છુક હોય છે.

તેમણે કહ્યું, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવાન રામ અને કૃષ્ણે સમાજ માટે કાર્યો કર્યા હતા તે જ રીતે મોદીએ કરેલા કામના કારણે લોકો તેમને ભગવાન તરીકે જોશે.મોદી આ દેશમાં જે કામ કરી રહ્યા છે તે માટે લોકોએ તેમનો જયજકાર કરવો જોઈએ. રાવતે કહ્યુ હતુ કે, મોદી છે તો બધુ જ શક્ય છે.

(7:15 pm IST)