Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

યશવંત સિંહાને ટીએમસી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો : પૂર્વ કેન્દ્રીય મંત્રી શનિવારે ટીએમસીમાં સામેલ થયા હતા અને મમતાની પ્રશંસા કરીને તેમને રિયલ ફાઈટર ગણાવ્યા

નવી દિલ્હી, તા. ૧૫ : પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયેલા ભાજપના નેતા યશવંત સિન્હાને પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે. તે અંતર્ગત તેમને નેશનલ વર્કિંગ કમિટીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શનિવારે ટીએમસીમાં સામેલ થયા હતા અને પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીની ભરપૂર પ્રશંસા કરીને તેમને રિયલ ફાઈટર ગણાવ્યા હતા.

અટલ બિહારી વાજપેયીની સરકારમાં યશવંત સિન્હા નાણા અને વિદેશ મંત્રી હતા. શનિવારે કોલકાતા ખાતેના ટીએમસીના કાર્યાલયે જઈને તેઓ પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને દીદી પર થયેલા હુમલા બાદ પોતે ટીએમસીમાં જોડાવાનું નક્કી કરી લીધું હતું તેમ જણાવ્યું હતું. જો કે, ચૂંટણી પંચે મમતા બેનર્જી પર હુમલો થયાની વાતને ફગાવી દીધી છેયશવંત સિન્હા ૨૦૧૪ બાદ ભાજપના નેતૃત્વથી નારાજ રહેતા હતા. તેઓ હંમેશા પાર્ટીના નેતૃત્વ અને કેન્દ્ર સરકારના નિર્ણયો સામે સવાલ કરતા રહેતા હતા. ત્યાર બાદ ૨૦૧૮માં તેમણે ભાજપ છોડી દીધું હતું. ત્યારથી તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈ ધારણાઓ બંધાતી રહેતી હતી.

 આખરે પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા તેઓ ટીએમસીમાં જોડાઈ ગયા છે. તેઓ અટલ બિહારી વાજપેયીના અંગત વ્યક્તિઓ પૈકીના એક હતા અને નોકરશાહથી રાજનેતા બનેલા યશવંત સિન્હા ભાજપમાં દશકા સુધી રહ્યા હતા.

(7:11 pm IST)