Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ચીન રેતીના તૂફાનના ભરડામાં: પાડોશી દેશ મંગોલિયામાં ભીષણ વાવાઝોડું: 341 લોકો ગુમ

ગોબીના રણથી ઉઠેલી ધૂળની ડમરીઓએ ચીનના મોટાભાગના ભાગને ધૂળથી ભરી દીધો

બેઇજિંગ :રેતીના તૂફાને ચીનને સંપૂર્ણ રીતે ભરડામાં લીધું છે પાટનગર બેઇજિંગમાં ધૂળ જ ધૂળ હતી. ગોબીના રણથી ઉઠેલી ધૂળની ડમરીઓએ ચીનના મોટાભાગના ભાગને ધૂળથી ભરી દીધો હતો. અગાઉ રવિવારે ચીનના પાડોશી દેશ મંગોલિયામાં ભીષણ વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદથી ત્યાં અંદાજે 341 લોકો ગુમ થયાના અહેવાલ સામે આવ્યા છે

  ચીનની સરકારી ન્યૂઝ એજન્સી Xinhua મુજબ બેઇજિંગમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રથમ વખત આ પ્રકારનું તોફાન આવ્યું છે. તેના કારણે બેઇજિંગમાં 400 ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે. એજન્સીનું કહેવું છે કે મંગોલિયા પાટનગર Hohhotમાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ચીનના હવામાન વિભાગનું કહેવું છે કે આવી ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું વર્ષના આ સીઝનમાં અસામાન્ય નથી. તેની સંભાવના પહેલાથી જ જણાવવામાં આવી રહી હતી, પરંતુ આ ક્ષણે જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે.

   ચીનના હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કરી જણાવ્યું છે કે રેતીનું આ તૂફાન ઇનર મંગોલિયાથી લઇ ચીનના ગાંસૂ, શાંક્સી અને હેબેઈ સુધી ફેલાયું છે. આ વિસ્તાર પાટનગર બીજિંગના ચારેય બાજુ સ્થિત છે. રેતીનું તૂફાન ગોબીના રેગિસ્તાન તરફથી આવ્યું છે. ગોબી રણ એકદમ વિશાળ અને ઉજ્જડ છે. તે ચીનથી લઇ મંગોલિયા સુધી ફેલાયેલું છે. તેના કારણે બેઇજિંગની હવા ખૂબ જ ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. સોમવારે સવારે આ ઇંડેક્સ મહત્તમ સ્તર એટલે 500 સુધી પહોંચી ગયું છે. PM 10 (હવામાં ઉડતા રેતનાં કણ)નું સ્તર અનેક જિલ્લાઓમાં ખૂબ જ ખતરનાક રીતે વધ્યું છે. ચીનના અનેક જિલ્લાઓમાં તેની સંખ્યા 8 હજાર માઇક્રોગ્રામ પર ક્યૂબિક મીટર સુધી જોવા મળી રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ પ્રતિદિવસ PM 10નું સ્તરે 50 માઇક્રોગ્રામથી વધુ ના હોવું જોઇએ. પરંતુ ચીનમાં ફેફસાને નુકશાન પહોંચાડનાર PM 2.5, કળોનું સ્તર પણ 300 માઇક્રોગ્રામના ઉપર પહોંચી ગયું છે. ચીનમાં આ ધોરણ 35 માઇક્રોગ્રામ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઉત્તર ચીનમાં જંગલોના વિનાશના કારણે પણ તૂફાન એટલું ભયાનક બન્યું છે

 અત્રે ઉલ્લેખનીય છે કે બેઇજિંગ અને તેના નજીકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દાયકાઓથી પ્રદૂષણનું સ્તર ખૂબજ ભયાનક છે. 5 માર્ચે સંસદનું સત્ર શરૂ થયું ત્યારે આખું શહેર ધુમ્મસથી ઘેરાયેલું હતું. ચીનના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક શહેર ટેન્ગશેને શનિવારે કહ્યું હતું કે લોકલ કંપનીઓ પર એન્ટી સ્મોગ પગલા ના લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે. બેઇજિંગ અને હેબઈના પ્રદૂષણનું કારણ તેંગશાન માનવામાં આવે છે.

WHOના રિપોર્ટ મુજબ ભારતમાં પીએમ 2.5નું સ્તર 500%થી વધું છે. દક્ષિણ એશિયાના સૌથી વધુ પ્રદૂષિત દેશ ભારત અને પાકિસ્તાન છે. વિશ્વના 30 ટોપ પ્રદૂષિત શહેરોમાં 21 ભારતના અને 5 પાકિસ્તાનના છે. ગત વર્ષે આઈક્યૂ એરની એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વની 90 વસતી પ્રદૂષિત હવામાં શ્વાસ લઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વધતું પ્રદૂષણ જ જળવાયુ પરિવર્તનનું કારણ છે. WHOના મુજબ બેઇજિંગની હવામાં ખૂબ સુધાર આવ્યું છે. હાલ તે વિશ્વભરના સૌથી પ્રદૂષિત 200 શહેરોની યાદીથી બહાર છે.

(6:44 pm IST)