Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સોનૂ સૂદે ૧ લાખ નોકરીઓની કરી જાહેરાતઃ ૧૦ કરોડ લોકોનાં જીવન બદલશે

સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેની ચારેય તરફ વાહવાહી થઇ રહી છે

મુંબઇ, તા.૧૫: બોલિવૂડ એકટર સોનૂ સૂદ ગત લાંબા સમયથી તેની દરિયાદિલીને કારણે ચર્ચામાં છે. એકટર કોરોના કાળમાં ગરીબ પરિવારોની મદદ કરવા માટે દરેક સંભવ પ્રયાસ કર્યો હતો. પછી તે વિદેશમાં ફસાયેલાં વિદ્યાર્થીઓને સ્વદેશ લાવવાનું હોય કે કામ કાજ માટે ખેડૂતને ટ્રેકટરની જરૂર હોય કે પછી વિદ્યાર્થીને ઓનલાઇન કલાસ માટે મોબાઇલની જરૂર હોય. આ તમામની મદદ સોનૂ સૂદે કરી હતી. પણ હવે સોનૂ સૂદે જે પગલાં ઉઠાવ્યાં છે. તેનાંથી એક બે નહીં પણ ૧૦ કરોડ લોકોને મદદ મળશે.

સોનૂ સૂદે તેનાં એક મહત્વકાંક્ષી પ્લાનની ટ્વિટર પર જાહેરાત કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તે દેશનાં ૧ લાખ બેરોજગાર લોકોને નોકરી આપશે. સોનૂ સૂદની આ જાહેરાત બાદ તેનાં દરેક તરફ વખાણ થઇ રહ્યાં છે. સોનૂ સૂદે તેની ટ્વિટમાં લખ્યું છે કે, 'નવું વર્ષ, નવી આશા. નવી નોકરીની તક અને તે તકને આપની નજીક લાવતા, નવાં અમે.. પ્રવાસી રોજગાર હવે છે ગુડવર્કર. આજે જ ગુડવર્કર એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને તમારી ઉત્તમ કાલની આશા કરો.'

આ સાથે જ સોનૂ સૂદે આ એપને ડાઉનલોડ કરવા માટે તેની એક લિંક પણ શેર કરી છે. સોનૂ સૂદ મુજબ, આ એપ દ્વારા તે ૧૦ કરોડ લોકોનું જીવન બદલવાનો પ્રાયસ કરી રહ્યો છે. નોકરીની શોધમાં લાગેલા બેરોજગારમાં સોનૂ સૂદની આ ટ્વિટ જોયા બાદ ઉત્સાહ આવી ગયો છે. ઘણાં યુઝર્સ કમેન્ટ કરતાં સોનૂ સૂદનાં આ સાહસિક પગલાંનાં વખાણ કરી રહ્યાં છે.

આ ઉપરાંત એકટરે ઝારખંડની એક શૂટરની મદદ કરવાની જાહેરાત કરી છે. સોનૂ સૂદે આ શૂટરને જર્મન રાઇફલ અપવાનો વાયદો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ધનસારની મહિલા ખિલાડી કોનિકા લાયકની મદદની જાહેરાત કરી છે.

(4:29 pm IST)