Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

પેટ્રોલ-ડીઝલના ભાવની અસરઃ મોંઘવારીનો દર ૨૭ મહિનાની ટોચે

ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મૂલ્ય આધારીત સૂચકાંક વધીને ૪.૧૭ ટકા પહોંચી ગયોઃ જાન્યુઆરીમાં તે માત્ર ૨.૩ ટકા હતો : પેટ્રોલીયમથી લઈને ખાવાપીવાની ચીજો, શાકભાજી વગેરેના ભાવમાં ઉછાળોઃ અર્થતંત્ર મામલે ચિંતાની બાબત ઉભી થઈ

નવી દિલ્હી, તા. ૧૫ :. અર્થવ્યવસ્થાને મોરચે ફરી એક વખત ચિંતાજનક સમાચાર છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવની અસર સ્વરૂપ ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીના દરમાં ભારે વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.૧૭ ટકા પહોંચી ગયો છે જે છેલ્લા ૨૭ મહિનાના રેકોર્ડ સ્તર પર છે. અત્રે નોંધનીય છે કે જાન્યુઆરીમાં આ દર ૨.૦૩ ટકા હતો. એક વર્ષ પહેલા આ જ ગાળામાં આ દર ૨.૨૬ ટકા હતો. ખાવાપીવાની ચીજો ઉપરાંત ઈંધણ અને પાવરના જથ્થાબંધ આંકમાં જોરદાર વધારો થયો છે.

પેટ્રોલીયમથી લઈને ખાવાપીવાની ચીજો અને શાકભાજીના ભાવ સૌથી વધુ વધ્યા છે. જે આંકડો આવ્યો છે તે નવેમ્બર ૨૦૧૮ બાદ સૌથી ઉંચો છે. આ દરમિયાન અનાજના ભાવમાં ૯.૪૦ ટકા, પેટ્રોલીયમ અને ગેસના ભાવમાં ૬.૫૦ ટકા અને ખાદ્ય વસ્તુઓના ભાવમાં ૦.૫૧ ટકાનો વધારો થયો છે.

હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી શિખરે છે. ફેબ્રુઆરીમાં ખાવાપીવાની ચીજોનો દર જાન્યુઆરીના માઈનસ ૦.૨૬ ટકાથી વધીને ૩.૩૧ ટકા આવી ગયો છે. આ જ રીતે શાકભાજીનો દર માઈનસ ૨૦.૮૨ ટકાથી વધી માઈનસ ૨.૯૦ ટકા આવ્યો છે.

મહિના દર મહિનાના આધારે જોઈએ તો ફયુલ અને પાવરના આંકમાં વધારો જોવા મળ્યો છે.

(4:27 pm IST)