Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

જો વધુ પ્રમાણમાં 'નોટા' હોય તો ચૂંટણી રદ કરવી જોઇએ?

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર - ચુંટણી પંચને નોટિસ ફટકારી પુછયો સવાલ : મતદારોને રાઇટ ટૂ રિજેકટ આપવાની માગનો મામલોઃNOTAમાં સૌથી વધુ મત પડે તો ચૂંટણી રદ્દ કરવાની છે માગ

નવી દિલ્હી, તા.૧૫: સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારતા પૂછ્યું કે જો કોઇ જગ્યાએ વધુ લોકો NOTAમાં મત આપે તો ચૂંટણી રદ્દ થવી જોઇએ?

મતદાતાઓને રાઈટ ટૂ રિજેકટ આપવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી ભાજપ નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ બેઠક પર નોટાને સૌથી વધુ મત મળે તો ચૂંટણી રદ થવી જોઈએ. અને નવેસરથી મતદાન થવું જોઈએ. આ મામલે કોર્ટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે.

જોકે NOTAના ચૂંટણીમાં કોઇ અસર નથી થતી. તો માત્ર મતદારોની નારાજગી માટે હોય છે. મતદાર આના દ્વારા જણાવે છે કે તેમને કોઇ પણ ઉમેદવાર નથી પસંદ અને તેમણે કોઇને મત નથી આપ્યો. જોકે આ મામલે રાઇટ ટૂ રિજેકટ એટલે તમામને બરતરફ કરવાનો અધિકાર જોડાયેલો છે.

આજ સિલસિલામાં ચૂંટણીમાં NOTAનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. એટલે જો કોઇ મતદારને કોઇ પણ ઉમેદવાર પસંદ નથી તો તે NOTAનું બટન દબાવીને મત આપી શકે છે. પરંતુ NOTAનું કોઇ મહત્વ હોતું નથી. સોમવારે સુનાવણીમાં અરજીકર્તા વકીલ માનેકા ગુરૂસ્વામીએ કહ્યું કે, જો ૯૯ ટકા મતદાર NOTAનું બટન દબાવે છે તો તેમનું કોઇ મહત્વ નથી. બાકી એક ટકા મતદારનો મત નક્કી કરે છે કે ચૂંટણી કોણ જીતશે. એટલા માટે જનહિતમાં અરજીમાં માંગ કરવામાં આવી છે કે જો સૌથી વધુ મત NOTAમાં પડે છે તો તે જગ્યાએ ચૂંટણી રદ્દ થવી જોઇએ. લોકોના મતનું સન્માન થવું જોઇએ.

આના પર જસ્ટિસ બોબડેએ કહ્યું કે, જો આવું થાય છે તો તે જગ્યાએ કોઇ પણ ઉમેદવાર નહીં જીતે. એટલે તે જગ્યા ખાલી રહી જશે. પછી સાંસદ અથવા વિધાનસભાનું ગઠન કેવી રીતે થશે.

તેના જવાબમાં ગુરૂસ્વામીએ કહ્યું કે, જો NOTAનો મત વધુ હોય તો કોઇપણ ઉમેદવાર નહીં જીતે તો ત્યાં સમયબદ્ઘ રીતે બીજી વખત ચૂંટણી થઇ શકે છે. તેવામાં તમામ નવા ઉમેદવાર ચૂંટણી લડશે. આ તમામ સવાલો પર સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે NOTAનું ચૂંટણીમાં મહત્વ હશે કે નહીં. જો સુપ્રીમ કોર્ટ અરજીના હકમાં ચૂકાદો આપે છે તો ચૂંટણી સુધારમાં એક ઐતિહાસિક નિર્ણય હશે.

(3:15 pm IST)