Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ધર્મેન્‍દ્ર રોડ પર વાહન પ્રતિબંધ : ૫૦૦ મી. પાર્કિંગ : અન્‍ડર ગ્રાઉન્‍ડ વાયરીંગ

પર્યાવરણ સુરક્ષા - ટ્રાફિક સમસ્‍યા ઉકેલવા બજેટમાં ટનાટન યોજનાઓ : વેપારીઓ માટે ખાસ રોડ : ત્રિકોણ બાગે મલ્‍ટીલેવલ પાર્કિંગ : સાયકલ પર ૧૦૦૦ અને ઇલેકટ્રીક સ્‍કુટરમાં ૫૦૦૦ હજારની સબસીડી : નવા ૧૯ ટ્રાફિક સર્કલો : સહિતની જોગવાઇઓ

રાજકોટ તા. ૧૫ : ટ્રાફિક, ટ્રાન્‍સપોર્ટ એન્‍ડ પાર્કિગ વિભાગ દ્વારા ટ્રાફિક સમસ્‍યાઓના અસરકારક હલ માટે આગામી સમયમાં નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

રાજકોટ શહેરમાં ભારત સરકારશ્રી દ્વારા પ્રેરિત ‘સ્‍ટ્રીટસ ફોર પીપલ ચેલેન્‍જ' પ્રોજેક્‍ટ હેઠળ રાજકોટ શહેરના હાર્દ સમા CBD  એરીયા એવા ધર્મેન્‍દ્ર રોડ અને તેને લાગુ માર્કેટ વિસ્‍તારને પેડેસ્‍ટ્રીયન ફ્રેન્‍ડલી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નાગરીકો માટે પેડેસ્‍ટ્રીયન ફ્રેન્‍ડલી એરિયા બનાવવા નીચે મુજબની જોગવાઇ કરવામાં આવશે.

*  સમગ્ર વિસ્‍તારમાં અંદાજીત ૫૦૦ રનીંગ મીટરના વિસ્‍તારમાં પાર્કિગની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

*  સમગ્ર વિસ્‍તાર પેડેસ્‍ટ્રીયન ફ્રેન્‍ડલી કરવા પેવીંગ બ્‍લોકથી રી-સરફેઇસિંગ કરવામાં આવશે.

*  સમગ્ર વિસ્‍તારમાં ઇલેક્‍ટ્રીક લાઇનો દૂર કરાવી અન્‍ડર ગ્રાઉન્‍ડ વાયરીંગ/કેબલિંગ કરવામાં આવશે જેથી રસ્‍તાઓ અડચણ મુક્‍ત થશે.

*  તમામ યુટીલીટી જેવી કે વોટર સપ્‍લાય, ડ્રેનેજ, સ્‍ટ્રીટલાઇટ રસ્‍તાની એક તરફે ફેરવવામાં આવશે જેથી મેઇન્‍ટેનન્‍સમાં મુશ્‍કેલી ના આવે.

*  સીનીયર નાગરીકો માટે બેટરી ઓપરેટેડ બસો ચલાવવાનું આયોજન છે. જેથી પોલ્‍યુશન ઘટાડી શકાય.

*  વેપારીઓને મુશ્‍કેલી ન થાય તે રીતે વૈકલ્‍પિક માર્ગોનું આયોજન કરી માલ-સામાન પરિવહનની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવશે.

*  સમગ્ર વિસ્‍તારમાં સ્‍ટ્રીટ ફર્નીચર જેવું કે બેંચીસ, સાઇનેઝીસ, ડસ્‍ટબીન વિગેરે મુકવામાં આવશે.

*  ત્રિકોણબાગ ખાતે મલ્‍ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે.

*    પેડેસ્‍ટ્રીયન ફ્રેન્‍ડલી સ્‍ટ્રીટ બનાવવા અનુસંધાને લોકો માટે પીવાના પાણીની સુવિધા તેમજ યુરીનલ અને ટોઇલેટ પણ બનાવવામાં આવશે.

રાજકોટ શહેરને સ્‍માર્ટ  સીટી બનાવવાના મુખ્‍ય ઉદ્દેશને ધ્‍યાને રાખી રાજકોટ શહેરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્‍યાઓ તથા તેના કારણે થતા પ્રદૂષણને ઘટાડવા તેમજ શહેરના લોકોને માસ ટ્રાન્‍સપોર્ટેશનનો મહત્તમ ઉપયોગ કરવાની સાથે પ્રદૂષણ રહીત “Non Motorized Transportation” પરિવહન સેવાનો વ્‍યાપ વધારવો ખૂબ જ જરૂરી છે. જે અન્‍વયે શહેરમાં નોન મોટોરાઇઝડ ટ્રાન્‍સપોર્ટનો વિકાસ તથા વિસ્‍તરણ કરવામાં આવનાર છે.

શહેરના મુખ્‍ય રસ્‍તા પર ટ્રાફિક સિગ્નલો પાસેના ચોકમાં ICCC પ્રોજેક્‍ટ અંતર્ગત કેમેરાની દેખરેખ હેઠળ ટ્રાફિક કંટ્રોલમાં રહે તે માટે માર્કિગ તથા રોડ સાઇનેઝ વગેરે જેવી કાર્યવાહી સમયાંતરે કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

ટ્રાફિક જંકશન તથા રોડ એલાઇન્‍મેંટ સુધારણા અંગેની કાર્યવાહી કરવામાં આવનાર છે. જે અન્‍વયે ગત વર્ષે રેસકોર્ષ રીંગ રોડ ડીવાઇડર જનભાગીદારીથી વાર્ષિક પ્રીમિયમ આધારીત ૧૦%ના પ્રતિ વર્ષ વધારા સાથે ડેવલપ કરવામાં આવેલ છે. નવા વર્ષમાં રાજકોટ શહેરના અન્‍ય વિસ્‍તારો ડેવલપ કરવાનું આયોજન છે.

શહેરમાં આવેલ મુખ્‍ય રસ્‍તા પરનાં ૧૯ જેટલા ટ્રાફિક સર્કલ તથા ટ્રાફિક આઇલેન્‍ડ જનભાગીદારીથી વાર્ષિક પ્રીમિયમ આધારીત ૧૦%ના પ્રતિ વર્ષ વધારા સાથે ડેવલપ કરવા કામગીરી કરવામાં આવેલ છે તથા શેહેરમાં બાકી રેહતા અને નવા ડેવલપ કરવાના થતા સર્કલ તથા આઇલેન્‍ડ જનભાગીદારીથી ડેવલપ કરી નિભાવ મરામત માટે આપવાનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં સ્‍માર્ટ સીટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફિકની સમસ્‍યાથી મુક્‍ત કરવાના ઉમદા આશયથી શહેરના કુલ ૪૯ મુખ્‍ય માર્ગો ઉપર પે એન્‍ડ પાર્ક ની વ્‍યવસ્‍થા ચાલુ કરવામાં આવેલ છે તથા સર્વેશ્વર ચોક અને ઢેબર રોડ પર આવેલ જુની ટ્રાફિક પોલીસ ચોકીની જગ્‍યા ખુલ્લી કરાવીને કુલ બે સ્‍થળોએ અતિ આધુનિક બી.ઓ.ટી. ના ધોરણે મલ્‍ટી લેવલ પાર્કિગ ડેવલપ કરવા માટે ડીઝાઇન હાથ ધરવામાં આવશે તેમજ સ્‍માર્ટ સીટી સેલ મારફત સ્‍માર્ટ પાર્કિગ પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌને પરવડે તેવી શહેરી પરિવહન સેવાની સાથે સાથે લોકોને “LAST MILE CONNECTIVITY” પૂરી પાડવાની કટિબદ્વતાને ધયાને લઇ ‘માય બાઈક' પાઈલોટ પ્રોજેક્‍ટ અમલમાં મુકવામાં આવેલ છે; જેને મળેલી પ્રેરક સફળતા જોઈને હવે આગામી વર્ષમાં પબ્‍લિક સાઈકલ શેરિંગ પ્રોજેક્‍ટનો વ્‍યાપ વધારવામાં આવશે. હાલ રેસકોર્સ અને બી.આર.ટી.એસ. ખાતે આ સુવિધા ઉપલબ્‍ધ છે, પરંતુ તે પર્યાપ્ત નહીં હોવાથી આગામી સમયમાં લોકોની સુગમતા માટે ૨૨ કે તેથી વધુ સાઈકલ શેરિંગ કંટ્રોલ સ્‍ટેશનની સુવિધા ઉપલબ્‍ધ બનાવવામાં આવશે.

શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તેવા ઉમદા ઉદેશથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાયકલ પ્રમોશન પ્રોજેક્‍ટ હેઠળ તા. ૧૫/૦૭/૨૦૧૯ બાદ શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર શહેરીજનોને અલગ થી રૂ. ૧૦૦૦ (અંકે રૂપિયા એક હજાર પુરા)નું વળતર આપવામાં આવે છે. જેમાં આગામી વર્ષમાં સાઈલિંગને વધુ ને વધુ પ્રોત્‍સાહન  આપવાના હેતુથી પરિવારના એક જ વ્‍યક્‍તિને બદલે હવે સાઈકલ ખરીદ કરનાર તમામ વ્‍યક્‍તિઓને વળતર આપવામાં આવશે. આ રકમ તેઓના બેંક ખાતામાં સીધું જ જમા કરાશે.

પર્યાવરણની સુરક્ષા માટે વાતાવરણમાં ભળતા કાર્બન વાયુના પ્રમાણમાં શકય તેટલો વધુ ઘટાડો કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઇલેક્‍ટ્રિક વાહનોની ખરીદી માટે પ્રોત્‍સાહિત કરવા ઈ-વ્‍હીકલની ખરીદી પર રૂ. ૫,૦૦૦ની સબસિડી આપવા દરખાસ્‍ત છે.

(2:38 pm IST)