Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કમલ હાસનની કાર પર નાશમાંધૂત યુવકે કર્યો હુમલાનો પ્રયાસ: પોલીસ હવાલે કરાયો

બળજબરીથી કારનો દરવાજો ખોલવા પ્રયાસ કર્યો : કાર્યકર્તાઓએ લમધાર્યો : હુમલાખોર કમલહાસનનો ચાહક હોવાની પણ ચર્ચા

તમિલનાડુમાં મક્કલ નિધિ મય્યમ (એમએનએમ) ના વડા અને અભિનેતા કમલ હાસનની કાર પર રવિવારે એક યુવકે હુમલો કર્યો હતો. કમલ હાસન ચૂંટણી પ્રચાર બાદ કાંચીપુરમની એક હોટલમાં જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. હુમલો કરનાર શખ્સ કમલ હાસનનો ચાહક હોવાનું મનાય રહ્યું છે

પાર્ટીના એક નેતાએ કહ્યું કે, આ ઘટનામાં કમલ હાસનને કોઈ ઇજા પહોંચી નથી. જોકે, તેમની કારને નુકસાન થયું હતું. એમએનએમ નેતા એજી મૌર્યાએ ટ્વિટ કરીને આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે કમલ હાસન પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર યુવકને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી યુવક નશામાં હતો.

આ ઘટના બાદ એમએનએમના કેટલાક કાર્યકરો અને સામાન્ય માણસો દ્વારા તેમની પર કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. બાદમાં તેને પોલીસ હોસ્પિટલ લઇ ગઈ હતી.

કમલ હાસન તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરી હોટલ પરત ફરી રહ્યા હતા ત્યારે નશાધૂત એક વ્યક્તિએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો. આ પછી, બળજબરીથી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. આ પછી ત્યાં હાજર કાર્યકર્તાઓએ તેને માર માર્યો હતો.

(1:58 pm IST)