Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સચિન પાયલોટ જૂથના બે દલિત ધારાસભ્યો ખફા ! રાહુલ મળવાનો સમય આપે નહિ તો જોયા જેવી ?

લઘુમતી અને દલિત વર્ગનો અવાજ ગૃહમાં દબાવી દેવામાં આવી રહ્યો છે : તડાફડીના એંધાણ

જયપુર,તા. ૧૫: રાજસ્થાનમાં કોંગ્રેસનું હાઇકમાન્ડ તો છાતી ઠોકીને કહી રહ્યું છે કે પાર્ટીની અંદર બધુ બરાબર જ છે, પરંતુ પાયલટ ગ્રૂપના ધારાસભ્ય રમેશ મીણા હાલના દિવસોમાં મુખ્યમંત્રી અશોક ગહલોતના માથાનો દુઃખાવો બની ગયા છે. પહેલા ગહેલોત સરકાર પર દલિત વિરોધી હોવાના આરોપ લગાવ્યા બાદ હવે રમેશ મીણાએ હવે વધુ એક જંગ છેડી દીધી છે. ધારાસભ્ય રમેશ મીણાએ કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીને મળવા માંગે છે. તેમનું કહેવું છે કે જો રાહુલ ગાંધી તેમને મળવાનો સમય નહિ આપે તો હું તાત્કાલિક રાજીનામું આપી દઇશ.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીના બે દલિત ધારાસભ્યોએ ગહલોત સરકાર પર દલિત વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે દલિત ધારાસભ્યોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય રમેશ મીણાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાસે મળવાનો સમય માંગ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે ચર્ચા નહીં થાય તો તેઓ રાજીનામું આપી દેશે. આ બંને ધારાસભ્ય સચિન પાયલટ ગ્રૂપના છે.

કોંગ્રેસ ધારાસભ્ય રમેશ મીણા પૂર્વી રાજસ્થાનમાં કોંગ્રેસ માટે ખૂબ જ માન ધરાવતો દલિત ચહેરો છે. રમેશ મીણાએ એક દિવસ પહેલા જ સરકારને ઘેરતા આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અશોક ગહલોતના ઇશારા પર સદનમાં દલિતો અને લઘુમતી વર્ગનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. એવામાં તેઓ પોતાની સમસ્યાને લઈને રાહુલ ગાંધીને મળવા માંગે છે.બીજી તરફ અશોક ગહલોત સરકાર તરફી પરિવહન મંત્રી પ્રતાપ ખાંચરિયાવાસે આ વિષય પર સફાઇ આપતા કહ્યું છે કે ST-SC અને લઘુમતી કોંગ્રેસના કરોડરજ્જુના મણકા છે. કોંગ્રેસ પાર્ટી એક મોટો પરિવાર છે એટલે એવી વાતો થતી રહે છે.

આ બાબતે પાયલટ સમર્થિત ધારાસભ્ય મુરારી લાલ મીણા અને વેદ પ્રકાશ સોલંકીએ પણ ST-SC લઘુમતીના ધારાસભ્યોની ઉપેક્ષા કરવાનો આરોપ સરકાર પર લગાવ્યો છે. મુરારી લાલે ધારાસભ્યો સાથે ટ્રાન્સફર પોસ્ટીંગમાં પણ ભેદભાવનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પ્રકાશ સોલંકીએ કહ્યું કે મુખ્ય નેતા ધારાસભ્યોની નારાજગી દૂર કરવાની વાત કરી રહ્યા છે. તેઓ કોની કોની નારાજગી દૂર કરશે. જેમના વોટથી સરકાર બની રહી છે તેમની ધ્યાન રાખવાની જરૂર છે. એમ નથી કે ST-SC લોકોને બોલવાનું નથી આવડતું, પરંતુ ખાસ લોકોને જ અહીં બોલવાનો વધારે ચાન્સ મળે છે. કોંગ્રેસ ધારાસભ્યોની નારાજગી કોંગ્રેસ માટે શુભ સંકેત નથી. એ પણ ત્યારે જયારે પાર્ટીએ ૪ સીટો પર વિધાનસભામાં પેટાચૂંટણી લડવાની છે.

(1:20 pm IST)