Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

કચરામાં ફેંકી દેવાતા માસ્ક 'ટાઈમ બોમ્બ' બની રહ્યા છે

દર મિનીટે લોકો ૨૮ લાખથી વધુ માસ્કનો ઉપયોગ કરી ખુલ્લામાં ફેંકી દે છેઃ માસ્કનું રીસાયકલીંગ ન થવાથી લાખો ટન પ્લાસ્ટિકનો કચરો જમા થઈ રહ્યો છે : કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ વધારવા વૈજ્ઞાનિકોની અપીલઃ માસ્કને નષ્ટ કરવા બાબતે દિશાનિર્દેશો સરકારે ઘડવા જોઈએ

નવી દિલ્હી, તા. ૧૫ :. કોરોનાકાળમાં માસ્કએ આપણી સુરક્ષા કરી છે પરંતુ ઉપયોગ કરી ફેંકી દેવામાં આવેલા માસ્ક ટાઈમ બોમ્બ બની રહ્યા છે. પર્યાવરણ વૈજ્ઞાનિકોનું માનીએ તો દુનિયામાં દર મિનીટે લોકો ૨૮ લાખથી વધુ માસ્ક ઉપયોગ કરી ખુલ્લામાં ફેંકી દે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે માસ્કનું રીસાયકલીંગ ન થવાથી દુનિયામાં લાખો ટન પ્લાસ્ટિકનો કચરો જમા થઈ રહ્યો છે જેનાથી અનેક પ્રકારની સમસ્યા ઉભી થઈ શકે છે.

જર્નલ ફ્રન્ટયર્સ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગમાં પ્રકાશિત એક સંશોધનમાં આ બાબતે ચિંતા વ્યકત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે ઉપયોગ બાદ માસ્કનો યોગ્ય રીતે નષ્ટ નહિ કરવાથી તે પ્લાસ્ટિકનો ખતરો બની રહ્યો છે. અભ્યાસ અનુસાર દર મહિને સમગ્ર વિશ્વના લોકો ૨૯૦૦૦ કરોડ માસ્કનો ઉપયોગ કરે છે એટલે કે સરેરાશ લોકો ૨૮ લાખથી વધુ માસ્કનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે માસ્કમાં ઉપયોગમાં લેવાતી પોલીપ્રોપલીન નામનુ પ્લાસ્ટિક કોઈ અન્ય પ્લાસ્ટિકની બેગ કે બોટલના મુકાબલે રીસાયકલ થવામા વધુ સમય લે છે. ડેન્માર્કના વૈજ્ઞાનિક ડો. એલ્વીસ જમ્બોએ કહ્યુ છે કે નષ્ટ થઈ શકતા માસ્ક ઉપયોગ બાદ પણ વિવિધ નાના નાના પ્લાસ્ટિકના સ્વરૂપમાં રહી જાય છે. જેને નષ્ટ થવામાં વર્ષોનો સમય લાગે છે. પ્લાસ્ટિકની બેગ કે બોટલનો ૨૫ ટકા હિસ્સો રીસાયકલ કરી શકાય છે પરંતુ માસ્ક અંગે કોઈ તૈયારી નથી. એવામાં આ નેનોપ્લાસ્ટિક આપણા દરીયા માટે મોટો ખતરો બની શકે છે. તેમણે કહ્યુ છે કે પ્લાસ્ટિકથી બનેલ માસ્ક કે એક વખત ઉપયોગમા લીધેલા માસ્કને કારણે સરકારોને કપડાથી બનેલા ત્રણ લેયર માસ્કને પ્રોત્સાહન આપવુ જોઈએ. કપડાથી બનેલા માસ્ક ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. સાથોસાથ માસ્ક નષ્ટ કરવા અંગે દિશાનિર્દેશ બનાવવો જોઈએ.

(11:48 am IST)