Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

અમરનાથ યાત્રાની તારીખ જાહેર : ૧૪ એપ્રિલથી નોંધણી

જમ્મુ-કાશ્મીર, કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ પહેલી વાર પવિત્ર યાત્રા યોજાશ

નવી દિલ્હી,તા.૧૫: દેશભરમાં બાબા અમરનાથના દર્શનાર્થીઓ માટે મહત્વનું એલાન કરી દેવામાં આવ્યું છે. શનિવારે શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠક બાદ વર્ષ ૨૦૨૧ માટે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે ૨૮ જૂનથી ૨૨ ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે. આ વર્ષની પવિત્ર યાત્રા ૫૬ દિવસ સુધી ચાલશે અને આ માટે શ્રદ્ઘાળુઓ ૧૪ એપ્રિલથી નોંધણી કરાવી શકશે. પવિત્ર અમરનાથ યાત્રાના આયોજનને લઇને જમ્મુ-કાશ્મીર પ્રશાસન તૈયારીઓમાં જોડાઇ ગયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજયપાલ મનોજ સિન્હાના નેતત્વમાં શનિવારે યોજાયેલી શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અહીં ખાસ મુદ્દો એ છે કે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ આ પહેલી અમરનાથ યાત્રા યોજાઇ રહી છે, કારણ કે ગત વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારીને લીધે પવિત્ર અમરનાથ યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જોકે આ વર્ષે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા દળો પણ તૈયારીઓ કરી ચૂકયા છે. આ વર્ષે પવિત્ર યાત્રા દરમિયાન સુરક્ષાના મુદ્દાને ખાસ મહત્વ આપતાં જવાનો સુરક્ષા મોરચો સંભાળશે.

જોકે કેન્દ્ર સરકાર માટે પણ આ વર્ષની અમરનાથ યાત્રામાં શ્રદ્ઘાળુઓની સુરક્ષા પ્રાથમિક મુદ્દો રહેશે, કારણ કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૫૦ના હટાવ્યા બાદ આ પહેલી યાત્રા યોજાઇ રહી છે. આ માટે કેન્દ્ર સરકાર પણ સુરક્ષા અર્થે જરુરી પ્લાન તૈયાર કરી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે બાબા અમરનાથ યાત્રા માટે બે રસ્તા છે. જેમાંથી એક પહેલગામ થઇને અને બીજો સોનમર્ગ બાલટાલ થઇને પસાર થાય છે. દેશના કોઇપણ ખૂણેથી આ બંને કેન્દ્રો પર પહોંચ્યા બાદ જ અમરનાથ યાત્રાનો પગપાળા સફર શરૂ થાય છે. 

(9:52 am IST)