Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

વર્ષે ૧૬ લાખ જૂડવાં પેદા થાય છે

વિશ્વમાં જોડિયા બાળકો જન્મવાનું પ્રમાણ વધ્યું

ચાર દાયકામાં ૧૬૫ દેશોમાં થયેલી ડિલિવરીનો સંશોધકો દ્વારા અભ્યાસ દર ૪૨માંથી એક જન્મ જોડિયાનો હોય છે

લંડન,તા. ૧૫: સંશોધકોએ તારણ રજૂ કર્યું છે કે જગતમાં અત્યારે જોડિયા બાળકો જન્મવાનું પ્રમાણ ઈતિહાસમાં સૌથી ઊંચુ છે. અત્યારે દર ૪૨ ડિલિવરીમાંથી એક જન્મ જોડિયાનો હોય છે. આ પ્રમાણ કોઈ એક દેશ કે એક જ્ઞાાતિ-જાતિ પુરતું મર્યાદિત નથી. સંશોધકોએ ૧૯૮૦થી આજ સુધીના વિવિધ ૧૬૫ દેશોમાં જન્મેલા બાળકોનો અભ્યાસ કર્યો હતો. તેના આધારે જાણી શકાયું કે અત્યારે જોડિયા બાળકોની ડિલિવરીની બોલબાલા છે.

જગતમાં વર્ષે સરેરાશ ૧૬ લાખ જોડિયા બાળકો જન્મે છે. ૧૯૮૦ના અરસામાં દર હજારમાંથી ૯ ડિલિવરી જોડિયાની થતી હતી, એ વધીને અત્યારે ૧૨ થઈ ગઈ છે. આ અંગેનો અભ્યાસ લેખ મેડિકલ જર્નલ 'હ્યુમન રિપ્રોડકશન'માં પ્રગટ થયો હતો.

જોડિયા બાળકો શા માટે વધુ જન્મે છે, તેનું કોઈ ચોક્કસ કારણ નથી. પણ યુરોપ-અમેરિકા પુરતું સંશોધકોનું તારણ છે કે ત્યાંનો સાધન-સંપન્ન વર્ગ ફર્ટિલિટી દ્વારા બે બાળકો પેદા કરાવી રહ્યા છે. ઈન વિટ્રો ફર્ટિલાઝેશન (ટેસ્ટ ટયુબ બેબી) પદ્ઘતિથી જોડિયાને જન્મ આપવો સાવ અશકય નથી. એ ઉપરાંત હોર્મોન્સની સારવાર દ્વારા પણ જોડિયા બાળ જન્મ કરાવી શકાય છે. જોડિયા જન્મનું વધવાનું પ્રમાણ સૌથી વધારે ૭૧ ટકા ઉત્ત્।ર અમેરિકામાં વધેલું જોવા મળ્યું હતું.

એ પછી યુરોપમાં ૬૦ ટકા અને એશિયામાં ૩૨ ટકા વૃદ્ઘિ જોવા મળી છે. સંશોધકોના મતે જોડિયા જન્મવાનો દર અત્યારે સૌથી ઊંચો છે અને હવે સમય જતાં ફરી નીચો આવશે. અત્યારનો આ દર છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં સૌથી વધારે છે. સંશોધકોએ વિવિધ ૧૬૫ દેશોની ડિલિવરી તપાસી હતી અને તેમાંથી ૧૧૨ દેશોમાં જોડિયા જન્મનું પ્રમાણ ઊંચકાયેલું જોવા મળ્યું હતું.

(9:52 am IST)