Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સરકારની ખાનગીકરણની નીતિનો પ્રચંડ વિરોધ

બે દિવસની બેંક હડતાલનો પ્રારંભ : ૧૦ લાખ કર્મચારીઓ જોડાયા : ઠેર ઠેર દેખાવો -પ્રદર્શન : બેન્કીંગ કામકાજ ખોરવાયું

નવી દિલ્હી,તા. ૧૫: દેશની બે બેંકોના ખાનગીકરણ પ્રસ્તાવની વિરુદ્ઘ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ હેઠળ આવતા ૯ યૂનિયને આજે એટલે કે ૧૫ માર્ચ અને કાલે એટલે કે ૧૬ માર્ચ ૨૦૨૧ના રોજ હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના મહાસચિવ સી.એચ. વેંકટચલમે દાવો કર્યો હતો કે લગભગ ૧૦ લાખ બેંક કર્મચારી આ હડતાળમાં સામેલ થશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ), કેનેરા બેંક સહિત અનેક સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને હડતાળના કારણે કામકાજ પર અસર પડવાની જાણકારી આપી છે.આજે કર્મચારીઓએ ઠેર ઠેર દેખાવો -પ્રદર્શન કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.

બેંકોએ ગ્રાહકોને જોકે એવું પણ જણાવ્યું છે કે આ પ્રસ્તાવિત હડતાળના દિવસે બેંકો અને શાખાઓમાં સારી રીતે કામકાજ કરવા માટે જરૂરી પગલાં ઉઠાવી રહ્યા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કરતી વખતે સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે. જેમાં સરકારે ૧.૭૫ લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની જાહેરાત કરી હતી. જેમાં IDBI બેન્ક ઉપરાંત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨માં બે PSU બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણનો પ્રસ્તાવ મુકયો છે. છેલ્લા ૪ વર્ષમાં ૧૪ સાર્વજનિક બેંકોને વિલય પણ કરવામાં આવી છે. ત્યારબાદ હાલ દેશમાં ૧૨ સરકારી બેંકો છે. બીજી તરફ બે બેંકોના નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ખાનગીકરણ થયા બાદ તેની સંખ્યા ૧૦ રહી જશે.

હડતાળના પગલે દેશમાં ૧૫ અને ૧૬ માર્ચના રોજ બેંકો બંધ રહેશે. જેથી સાપ્તાહિક રજા અને હડતાળના કુલ ૪ દિવસ દરમિયાન બેન્કિંગ સેવાઓ બંધ રહેશે. જોકે, ATM સેવાઓ કાર્યરત રહેશે. સાથે જ ૧૭ માર્ચ સુધી ચેક કિલયરન્સ, એકાઉન્ટ ઓપન કરવા, લોન પ્રોસેસ અને ડિમાન્ડ ડ્રાફ્ટ ઈશ્યુ કરવાની સેવાઓ પ્રભાવિત રહેશે.

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ કહ્યું છે કે, બેંકે બધી શાખાઓમાં અને કાર્યાલયોમાં સામાન્ય કામકાજની વ્યવસ્થા કરી છે. પરંતુ હડતાળના કારણે તેના પર પણ અસર થઇ શકે છે.

(9:50 am IST)