Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

હર્ડ ઈમ્યુનિટી સમાપ્ત ! લાપરવાહી વધીઃ કોરોનાની બીજી લહેરનો ખતરો

દેશમાં કોરોના વાયરસના કેસ નવેસરથી વધવા લાગ્યાઃ તબીબી નિષ્ણાંતોના કહેવા મુજબ દેશ બીજી લહેરનો સામનો કરી રહ્યુ છેઃ વધુ કડક પગલાની જરૂર : મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં સ્થિતિ ચિંતાજનકઃ ૭૭ ટકા કેસ આ ત્રણ રાજ્યોમાંથીઃ ગુજરાત સહિત ૬ રાજ્યોમાં રોજેરોજ કેસ વધી રહ્યા છે

નવી દિલ્હી, તા. ૧૫ :. દેશમાં કોરોના સંક્રમણના કેસ એકધારા વધી રહ્યા છે. આ દરમિયાન તબીબી નિષ્ણાંતોએ જણાવ્યુ છે કે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે તેથી વધારાના સાવચેતીના પગલા લેવાની ખાસ જરૂર છે. લગભગ ૩ મહિના બાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના સૌથી વધુ ૨૫૩૨૦ નવા કેસ સામે આવ્યા છે. હર્ડ ઈમ્યુનિટી સમાપ્ત થવા અને લાપરવાહી વધવાને કારણે આ કેસ વધ્યા હોવાનું બહાર આવ્યુ છે.

૯ રાજ્યોમાં કેસ એકધારા વધી રહ્યા છે. ૨૪ કલાકમાં જે આંકડા આવ્યા છે તેમાથી લગભગ ૭૭ ટકા કેસ મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબથી છે. જ્યારે અન્ય ૬ રાજ્યોમાં જ્યાં કેસ વધી રહ્યા છે ત્યાં રોજ ૪૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેમા કર્ણાટક, ગુજરાત, તામીલનાડુ, મધ્યપ્રદેશ, દિલ્હી અને હરીયાણા સામેલ છે.

વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના કોમ્યુનિટી મેડીસીન વિભાગના વડા પ્રો. જુગલકિશોરે કહ્યુ છે કે એવા સંકેત મળે છે કે દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. આનુ કારણ એ છે કે દેશમાં સપ્ટેમ્બરમાં કોરોના સંક્રમણ પીક ઉપર પહોંચ્યા બાદ અનેક રાજ્યોમાં હર્ડ ઈમ્યુનિટી ઉભી થઈ હતી તેથી ત્યાં કેસ ઘટવા લાગ્યા હતા. પાંચ-છ મહિના બાદ તે ઘટવા લાગી છે અને ઝડપથી કેસ વધી રહ્યા છે.

એઈમ્સના પૂર્વ ડાયરેકટર પ્રો. મિશ્રાએ કહ્યુ છે કે બીજી લહેર પેદા થઈ ચુકી છે અને તેનુ મુખ્ય કારણ એ છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં નવા સંક્રમણ ન્યુનત્તમ હોવાને કારણે કોરોના સંબંધી પ્રતિબંધ લગભગ હટાવી દેવાયા હતા. આ દરમિયાન રસીકરણ શરૂ થવાથી લોકો લાપરવાહ થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે હવે કંઈ નહીં થાય રસી આવી ગઈ છે પરંતુ રસીથી ત્યાં સુધી ફાયદો નહિ થાય જ્યાં સુધી રસી ૭૦થી ૮૦ ટકા લોકોને લાગી ન જાય. ખતરો સ્પષ્ટ નજરે પડે છે. દેશ યુરોપની જેવી બીજી લહેરનો સામનો કરી રહ્યુ છે તેથી સરકારે વધુ કડક પગલા લેવાની જરૂર છે.

જે રાજ્યોમાં કેસ સૌથી વધુ છે તેમાથી મોટાભાગના રાજ્યો એવા છે જે કોરોનાની પહેલી કે બીજી લહેરનો સામનો કરી ચૂકયા છે અને હવે ત્રીજી લહેર તરફ આગળ વધે છે, પરંતુ હાલ દેશમાં અવરજવરને લઈને પ્રતિબંધ નથી તેથી આ મામલા બીજા રાજ્યોમાં પણ વધી રહ્યા છે.

(10:59 am IST)