Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

દેશને બરબાદ કરી ઉદ્યોગપતિ મિત્રોને લાભ :કિંમતી સંપત્તિઓને એકપછી એક કરી પોતાના મિત્રોને વેચી

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું - જનતા પાસેથી ભાગેદારી, રોજગાર અને સુવિધાઓ છીનવા માંગે છે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા જણાવ્યું કે તેમનો માત્ર એક જ કાયદો છે કે કેવી રીતે પણ દેશને બરબાદ કરી ઉદ્યોગપતિ મિત્રોને લાભ પહોંચાડવામાં આવે. તેના માટે મોદી કૃષિ કાયદા લઇને આવ્યા, તો દેશની કિંમતી સંપત્તિઓને એકપછી એક કરી પોતાના મિત્રોને વેચી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ તમામ સંપત્તિ જનતાની મહેનતની કમાણીથી બની છે.

રાહુલે નિશાન સાધતા જણાવ્યું કે સરકારે ગૈસ, ડીઝલ-પેટ્રોલ પર ભારે ટેક્સ વસૂલી પોતાના ઉદ્યોગપતિ મિત્રોને લાભ પહોંચાડવા માટે કર્યું છે. તેમણે કટાક્ષમાં જણાવ્યું કે તેમના મિત્રોને પીએસયૂ-પીએસબી વેચી મોદી જનતા પાસેથી ભાગેદારી, રોજગાર અને સુવિધાઓ છીનવા માંગે છે. સરકાર માત્ર એક જ લાઇન પર કામ કરી રહ્યા છે, તે છે મિત્રોને લાભ. બીજી તરફ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો રાહુલ ગાંધીની વાતથી સંમત થયા, તો કેટલાક લોકોએ તેમને ટ્રોલ કર્યા.

 અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, આ ઉપરાંત ઘરેલુ ગેસના બાટલામાં પણ વૃદ્ધિ આવી છે. ગેસના બાટલા પર કોઇ પણ જાહેરાત કર્યા વગર સબ્સિડી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઇ ગયું છે. આ મુદ્દાઓ પર સોશિયલ મીડિયાથી લઇ ચા-પાનના ગલ્લા પર ચર્ચાઓ થઈ રહી છે

પેટ્રોલિયમમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન લેખિતમાં આ અંગે માહિતી આપી. જેમાં તેમણે જણાવ્યું કે દેશમાં છેલ્લા 7 વર્ષોમાં રાંધણગેસની કિંમતો ડબલ થઇ ગઇ છે. તેમજ આ સમયગાળામાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ અને એક્સાઇઝ વધારાથી 4.5 ગણી આવક કરી છે

લોકસભામાં પ્રશ્નોની ભરમાર વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે એક માર્ચ 2014ના રોજ રાંધણ ગેસના એક બાટલા કિંમત 410.50 રુપિયા હતી. જે આ મહિનામાં વધીને 819 રૂપિયા થઇ ગઇ છે. આ ભાવ દિલ્હીના છે અને રાજ્યોના ટેક્સ મુજબ તેમાં ફેરફાર સંભવ છે

 

નોંધનીય છે કે LPGના એક સિલિન્ડર પર છેલ્લા 32 દિવસમાં જ 125 રુપિયાનો વધારો કરી દેવાયો. 4 ફેબ્રુઆરી પછી ચાર વખત વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ગરબી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. Rahul Gandhi 

પેટ્રોલિયમ મંત્રીએ વધુમાં જણાવ્યું કે 26 જૂન 2010 અને 19 ઓક્ટોબર 2014થી પેટ્રોલ ડીઝલની કિંમતો ડિકન્ટ્રોલ (એટલે સરકારનો હસ્તક્ષેપ ખેંચી લેવાયો) કરવામાં આવી. ત્યારથી ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમતો, રુપિયાના મૂલ્ય અને ટેક્સ માળખાના આધારે દરરોજ બંને ઇંધણની કિંમત નક્કી કરે છે.

(12:00 am IST)