Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

સાંસદ સાક્ષી મહારાજે રેકર્ડ વગાડી:આંદોલનકારી ખેડૂતોને આતંકવાદી છે અથવા ખાલિસ્તાની અથવા દલાલ ગણાવ્યા

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અંગે જવાબ આપવાનું ટાળ્યું: પાકિસ્તાન, ચીન અને આર્ટીકલ 370નો રાગ આલાપ્યો

ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. સાક્ષી મહારાજે આંદોલનકારી ખેડૂતો પર પ્રશ્ન ઉઠાવતાં જણાવ્યું કે, તેઓ આતંકવાદી છે અથવા ખાલિસ્તાની. આ સાથે જ સાક્ષી મહારાજે ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર પણ અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યાં છે. Sakshi Maharaj

રાજસ્થાનના સિકરમાં મીડિયા સાથે વાતચીત કરતાં ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે આંદોલનકારી ખેડૂતોને લઇને જણાવ્યું કે, તેઓ ખેડૂતો છે જ નહીં. ખેડૂતોના નામે આંદોલન કરી રહેલા આતંકવાદી છે અથવા ખાલિસ્તાની છે અથવા દલાલ છે. Sakshi Maharaj

ભાજપ સાંસદે રાકેશ ટિકૈત પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, રાકેશ ટિકૈતે 2014માં અમારા ઉમેદવાર વિરુદ્ધ લોકદળથી ટિકિટ લઇ ચૂંટણી લડી હતી. જેમાં તેમને 9000 મત પણ નહતા મળ્યા. હવે તેઓ પોતાનું રાજકીય કદ વધારવા માટે ખેડૂત આંદોલનમાં સામેલ થઈ ગયા છે. જેમાં તેમને રાજસ્થાન અને પંજાબમાં સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારનો સહયોગ પણ મળી રહ્યો છે.

આ સિવાય સાક્ષી મહારાજે જણાવ્યું કે, દેશભરમાં ખેડૂતો આજે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે, પરંતુ દિલ્હીની સરહદ પર માત્ર નાટક થઈ રહ્યું છે. આ સાથે જ સાક્ષી મહારાજે જણાવ્યું કે, જ્યારે અમારા કૃષિ મંત્રીએ ખેડૂત નેતાઓને પૂછ્યું કે, આ કાયદામાં ખોટું શું છે? જો કે તેઓ પાસે તેનો કોઈ જ જવાબ નહતો

હવે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી રહ્યો. આથી ટૂંક સમયમાં જ વિપક્ષ આખા દેશમાંથી સમાપ્ત થઈ જશે. હવે થોડા દિવસોમાં દેશની જનતા કોંગ્રેસને વિપક્ષમાં બેસવા લાયક પણ નહીં છોડે.

જોકે જ્યારે તેમને પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. ભાવમાં થઇ રહેલા વધારાને લઇ પ્રશ્ન કરવામાં આવ્યો, તો તેમણે આ અંગે જવાબ આપવાનું ટાળીને એજ જૂના રાષ્ટ્રીય મુદ્દાનો રાગ આલાપ્યો. તેમણે જણાવ્યું કે, અમારા શાસનમાં પાકિસ્તાનમાં જઇને હુમલો કરવામાં આવ્યો, ચીનને પાછળ ધકેલી દેવાયું. મોદીજીએ કાશ્મીરથી કલમ 370 નાબૂદ કરી. આ બાજુ કેમ ધ્યાન દોરાવવામાં નથી આવતું? આ દેશમાં ઘણું બધુ પ્રથમ વખત થઈ રહ્યું છે. તેનાથી સિદ્ધ થાય છે કે, મોદીજી અને ભારતી જનતા પાર્ટી વોટબેંકની જગ્યા રાષ્ટ્રનું રાજકારણ કરે છે.

(12:00 am IST)