Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

હવે બેંગલુરુ, હૈદરાબાદ અને દિલ્હી એરપોર્ટ ખાનગી હાથમાં સોંપવા તૈયારી :2.5 લાખ કરોડ એકઠા કરાશે

કેન્દ્ર સરકારે 13 અન્ય એરપોર્ટની ખાનગીકરણ માટે ઓળખાણ પણ કરી રાખી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટનું સંચાલન અદાણીના હાથમાં આપ્યા બાદ હવે દેશના બીજા ત્રણ એરપોર્ટને પણ ખાનગી હાથમાં આપવાની તૈયારીઓ કરી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કેન્દ્ર સરકાર બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પોતાની રહેલી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. અસેટ મોનિટાઈઝેન દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્‍યાંક પુરો કરવા માટે આ ભાગીદારી વેચી દેશે. સરકારે તમામ સરકારી કંપનીઓની સંપત્તિઓ વેચીને વધારાના નાણા એકઠા કરવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ ઉપરાંત સરકારે 13 અન્ય એરપોર્ટની ઓળખાણ પણ કરી રાખી છે. જેનું ફિસ્ક્લ ઈયર 2021-22માં ખાનગીકરણ કરવામાં આવશે.

દિલ્હી, મુંબઈ, એરપોર્ટનું કામકાજ જોતા જોઈન્ટ વેંચરમાં રોકાણ માટે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ જરૂરી મંજૂરી લેશે. આ પ્રસ્તાવને મંજૂરી માટે આગામી દિવસોમાં કેબિનેટની સામે રાખવામાં આવશે. ખાનગીકરણ માટે પસંદ કરાયેલા 13 એરપોર્ટમાં નફો અને ખોટવાળા એમ બંને પ્રકારના એરપોર્ટ શામેલ છે. મોદી સરકારમાં ખાનગીકરણમાં પ્રથમ તબક્કામાં અદાણી ગ્રુપને 6 એરપોર્ટ મળ્યા હતા. જેમાં લખનઉ, અમદાવાદ, જયપુર, મંગલુરૂ, તિરુવનંતપુરમ અને ગુવાહાટી શામેલ છે.

સિવિલ એવિએશન મિનિસ્ટ્રી અંતરર્ગત આવતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે સમગ્ર દેશમાં 100થી વધારે એરપોર્ટની જવાબદારી છે. મુંબઈ એરપોર્ટમાં અદાણીની 74 ટકા ભાગીદારી છે. જ્યારે 56 ટકા ભાગીદારી એરપોર્ટ ઓથોરિટીની છે.

આવી જ રીતે દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં GMRની 54 ટકા ભાગીદારી છે. જ્યારે ઓથોરિટીની 26 ટકા ભાગીદારી છે. હૈદરાબાદ એરપોર્ટમાં ઓથોરિટીની સાથે સાથે આંધ્ર પ્રદેશ સરકારની 26 ટકા ભાગીદારી છે. આવી જ રીતે બેંગલુરૂ એરપોર્ટમાં ઓથોરિટીની સાથે કર્ણાટક સરકારની 26 ટકા ભાગીદારી છે.

(12:00 am IST)