Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

મહારાષ્ટ્રમાં કોરોના બેફામ બન્યો :છેલ્લાં 24 કલાકમાં 16,620 પોઝિટિવ કેસ નોંધાયા 50 દર્દીઓના મોત

આંશિક લોકડાઉનની લટકતી તલવાર: પુણે, મુંબઈ અને નાગપુર, સહિતના શહેરોમાં સ્થિતિ ચિંતાજનક

મુંબઈ :કોરોના વાઈરસ ફરી એકવાર ભારતમાં માથું ઊંચકી રહ્યો છે.મહારાષ્ટ્રે દેશની ચિંતામાં વધારો કર્યો છે. રવિવારે રાજ્યમાં 16620 નવા ચેપનાં કેસ નોંધાયા છે જ્યારે 50 દર્દીઓનાં મોત થયાં છે. એકલા મુંબઇમાં જ, ચેપના 1962 નવા દર્દીઓ મળી આવ્યા છે જ્યારે 7 લોકોનાં મોત નીપજ્યાં છે.

મહારાષ્ટ્રમાં 2021ના વર્ષના સર્વાધિક કેસ આજે નોધાયા છે. તો મહારાષ્ટ્રમાં કુલ કેસ 23 લાખને પાર થઈ ચુક્યા છે. આંશિક લોકડાઉનની લટકતી તલવાર મહારાષ્ટ્રને માથે ઝઝૂમી રહી છે. કેટલાક શહેરોમાં લોક ડાઉન નાખવામાં આવ્યું છે.

પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ સામે આવ્યા છે. તો નાગપુરમાં 24 કલાકમાં 2300 નવા કેસ સામે આવ્યા છે.

જો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 ના નવા કેસ જોવા મળી રહ્યા છે. રવિવારે 25,000 થી વધુ નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 25,320 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા. પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,13,59,048 થઈ ગઈ છે. તે જ સમયે, એક જ દિવસમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં વધુ 161 લોકોના ચેપના કારણે મોત નીપજ્યું હતું. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 1,58,607 લોકોનાં મોત નીપજ્યાં છે

(9:11 am IST)