Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

યમનમાં પોલીસ કેમ્પ પર હવાઇ હુમલોઃ ૩૯ના મોત, ૯૦ને ઇજા

દુબઇ તા. ૧૪ : સાઉદી અરબના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ યમનમાં એક પોલીસ કેમ્પ પર કરાયેલા હુમલામાં કેટલાંક કેદી સહિત ૩૯ લોકોના મોત થયાં છે જયારે ૯૦થી વધુ લોકોને ઈજા થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈરાન સમર્થિત હાઉતી બળવાખોરોએ યમનના ગૃહયુદ્ઘમાં પક્ષ પલટો કરતાં આ મહિનાના આરંભમાં પૂર્વ રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહની હત્યા કરી હતી.ત્યારબાદ આ વિસ્તારમાં સ્થિતિ વણસી હતી. પરંતુ આવા વિદ્રોહને પણ ડામી દેવામા આવ્યો હતો.

યમન પર ત્રણ દાયકા સુધી શાસન કરનારા ૭૫ વર્ષીય સાલેહે ૨૦૧૪માં હાઉતી વિદ્રોહીઓ સાથે હાથ મિલાવી લીધા હતા. આ બળવાખોરોનો સના સહિત યમનના મોટા વિસ્તાર પર કબજો છે. સાલેહની હત્યા બાદ સાઉદી ગઠબંધને હાઉતી બળવાખોરો વિરુદ્ઘ હુમલા વધારી દીધા છે.

પોલીસ કેમ્પના એક અધિકારીએ જણાવ્યુ કે ગઠબંધનના વિમાનોએ પૂર્વ સનામાં આવેલા કેમ્પ પર સાત વખત હુમલા કર્યા હતા. આ કેમ્પમાં લગભગ ૧૮૦ કેદીને રાખવામાં આવ્યા હતા. આ હુમલા બાદ રાહત બચાવ ટીમોએ કાટમાળ નીચેથી ૩૫ મૃતદેહ કાઢ્યા છે. જયારે બીજી તરફ સેનાએ આ હુમલામં આમ જનતાને નિશાન બનાવ્યાના આક્ષેપોને ફગાવી દીધા છે.

(4:34 pm IST)