Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

૯૩ બેઠક માટે બપોર સુધીમાં સરેરાશ ૫૫% મતદાન

સવારે ટેસ્ટ મેચ જેવુ ધીમુ મતદાનઃ બપોર બાદ ટી-ર૦ જેવુ મતદાનઃ ૭૦%ની ઉપર મતદાન થવાના નિર્દેશોઃ ભાજપ-કોંગ્રેસ બંનેએ વિજયના દાવા કર્યા : મોદીના રોડ-શોથી કોંગ્રેસ લાલઘુમઃ ચૂંટણી પંચને કઠપુતળીની ઉપમા આપી

નવી દિલ્હી તા.૧૪ : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે આજે બપોરે આ લખાય છે ત્યારે સરેરાશ પપ ટકા મતદાન થયુ હોવાનુ જાણવા મળે છે. જે રીતે બપોરે મતદાનમાં વેગ આવ્યો છે તે જોતા મતદાન ૭૦ ટકા ઉપર જશે એ નક્કી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાની તમામ તાકાત કામે લગાડી છે અને વિજયના દાવા કર્યા છે. આજે સવારે મતદાન ટેસ્ટ મેચ જેવુ ધીમુ રહ્યુ હતુ પરંતુ જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ તેમ મતદાનમાં પણ વેગ આવતો ગયો હતો. આજે વડાપ્રધાન મોદી મત આપવા આવ્યા ત્યારે રાણીપ બુથ સુધી તેઓ પહોંચ્યા અને લોકોનું અભિવાદન જીલ્યુ તેને કોંગ્રેસે રોડ-શો નામ આપીને આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકો માટે ૯મીએ ૮૯ બેઠકો માટે મતદાન ૬૮ ટકા નોંધાયા બાદ આજે સવારે ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન શરૂ થયુ હતુ. શરૂઆતમાં મતદાનમાં ઠંડીની અસર જોવા મળી હતી. જયારે બપોરે પરવારીને ગૃહીણીઓ મતદાન કરવા ઉમટતા મતદાનની ટકાવારી ઝડપથી વધી હતી. ૧ર વાગ્યા સુધીમાં ૩૯ ટકા જેટલુ મતદાન નોંધાયુ હતુ. જયારે ૧૧ વાગ્યા સુધીમાં ૧પ થી ૧૭ ટકા નોંધાયુ હતુ.

આજે બપોરે વડાપ્રધાન મોદીએ રાણીપથી, એલ.કે.અડવાણી જમાલપુર ખાડીયાથી, પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડીયાથી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કડીથી, નાણામંત્રી અરૂણ જેટલી ઉપરાંત અમિત શાહ, જીજ્ઞેશ મેવાણી, સિધ્ધાર્થ પટેલ, જયનારાયણ વ્યાસ, શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વગેરેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નાણામંત્રી અરૂણ જેટલીએ વેજલપુર ખાતે મતદાન કર્યુ હતુ.

દરમિયાન પીએમ મોદી આચારસંહિતાના કથિત ઉલ્લંઘનને લઇને કોંગ્રેસના નિશાના ઉપર આવી ગયા છે. તેઓ મતદાન કરવા રાણીપના બુથ સુધી ગયા હતા જે દરમિયાન રસ્તાઓ પર ઉભેલા લોકોએ તેમનુ અભિવાદન કર્યુ હતુ જેને કોંગ્રેસે રોડ-શો નામ આપી આચારસંહિતાના ઉલ્લંઘનનો આરોપ મુકયો હતો અને ચૂંટણી પંચને કઠપુતળી કહી આડે હાથ લીધુ હતુ. કોંગ્રેસના નેતા સુરજેવાલાએ કહ્યુ છે કે, ગુજરાતમાં ચૂંટણી પંચે તમામ જવાબદારીઓ ખંખેરી નાખી છે. ગુજરાતમાં મોદીની ડુબતી નાવને કઠપુતળી બની ચુકેલા ચૂંટણી પંચનો સહારો લેવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચના સહારે પીએમ મોદી રોડ-શો કરી રહ્યા છે અને પંચ આંખ બંધ કરીને બેઠુ છે. કોંગ્રેસે કહ્યુ છે કે ચૂંટણી પંચના માપદંડ અમારે માટે જુદા અને ભાજપ માટે પણ જુદા છે.

બપોરે ૩ સુધીમાં

મહેસાણા

-

૫૫

સાબરકાંઠા

-

૫૦

અરવલ્લી

-

૪૮

ગાંધીનગર

-

૫૨

આણંદ

-

૫૩

ખેડા

-

૪૯

મહિસાગર

-

૪૮

પંચમહાલ

-

૪૯

દાહોદ

-

૪૫

વડોદરા

-

૫૪

છોટાઉદેપુર

-

૫૧

અમદાવાદ

-

૫૨

બનાસકાંઠા

-

૪૯

પાટણ

-

૫૧

(3:58 pm IST)