Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બ્રિટન સંસદની બહાર આતંકવાદી હૂમલોઃ કારમાં આવેલ શખ્‍સે સુરક્ષા ઘેરાને તોડવાનો પ્રયાસ કર્યોઃ રાહદારીઓની વચ્‍ચે કાર ઘુસાડી દીધીઃ કારને ઝપટે આવેલ રાહદારીઓ અને સાયકલચાલકોને ઇજાઃ આતંકવાદી કૃત્ય કરનાર શખ્‍સ ઝડપાયો

બ્રિટનઃ બ્રિટન સંસદની બહાર આજે આતંકવાદી હૂમલો થતા ખળભળાટ મચી ગયો છે. કારમાં આવેલા અેક શખ્‍સે સુરક્ષા વ્‍યવસ્‍થામાં રહેલા જવાનો તરફ કાર જવા દીધી હતી અને સુરક્ષા ઘેરાને તોડવાનો પ્રયાસ કર્યા બાદ આ કારચાલકે રાહદારીઓ અને સાયકલચાલકોને અડફેટે લેતા તેઓને ઇજા પહોંચી હતી. પોલીસે આ ઘટનામાં આતંકવાદી શખ્‍સની ધરપકડ કરી છે.

સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસના કહેવા પ્રમાણે, કોઈની ઇજા જીવલેણ નથી જણાતી. આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે અને એક શખ્સની આતંકવાદી કૃત્યના આરોપ સબબ ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરવામાં આવેલો યુવક 'વીસી'માં હોવાનું જણાવાય રહ્યું છે.

આ ઘટનાક્રમ ઘટ્યો ત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું ન હતું.

સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે સવારે 7.37 કલાકે ઘટી હતી.

ઘટના અંગે માહિતી મળતાં હથિયારધારી પોલીસ, અગ્નિશમન દળના કર્મચારીઓ અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયા હતા.

પોલીસના કહેવા પ્રમાણે, આ કૃત્ય 'આતંકવાદી' છે અને કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. .

તાત્કાલિક અસરથી વેસ્ટમિનસ્ટર ટ્યુબ (મેટ્રો) સ્ટેશન બંધ કરી દેવાયું હતું અને મિલબૅન્ક, પાર્લમેન્ટ સ્કવૅર તથા વિક્ટોરિયા ટાવર ગાર્ડન્સ રોડને કોર્ડન કરી લેવાયા છે.

ઍવલિના ઓચૅબ નામના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે, "આ કૃત્ય ઇરાદાપૂર્વક હોવાનું જણાય છે, કારણ કે કારચાલક પૂરપાટ સ્પીડે વાહન દોડાવી રહ્યો હતો અને બેરિકેડ તરફ ધસી ગયો હતો."

પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા કારચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ શખ્સ પાસેથી કે તેની કારમાંથી કોઈ હથિયાર નથી મળ્યા.

(5:40 pm IST)