Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ત્રણ તલાક પરંપરા સાંખી નહિ લેવાયઃ શબાના

સરકારે ઘડેલા કાયદાનું સ્વાગત કરોઃ ૨૪ ઈસ્લામિક દેશોએ ત્રણ તલાક પરંપરા ફગાવી દીધી છેઃ આવી પરંપરા મુસ્લિમ મહિલાઓના શોષણ માટે બની છેઃ કડક સજા જરૂરીઃ અભિનેત્રી કાયદાના સમર્થનમાં મેદાને પડી

જૌનપુર, તા. ૧૪ :. ફિલ્મ અભિનેત્રી, ભૂતપૂર્વ સાંસદ અને સમાજ સેવિકા શબાના આઝમીએ સોમવારે કહ્યું કે ત્રણ તલાકનો નિયમ મુસ્લિમ મહિલાઓનું શોષણ કરવા માટે બનાવાયો હતો અને તે આપણા બંધારણની વિરૂદ્ધ છે, એટલે સરકારે જે કાયદો બનાવ્યો છે તેનુ સ્વાગત કરવું જોઈએ.

તેમણે કહ્યું કે આજે આખી દુનિયામાં ૫૦થી વધારે ઈસ્લામીક દેશોમાંથી ૨૪ ઈસ્લામીક દેશોએ ત્રણ તલાકને પોતાના બંધારણમાંથી બહાર કાઢીને ફેંકી દીધો છે.

શબાના આઝમીએ કહ્યું કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને બંધારણે અહીંયા બધાને અધિકાર આપેલ છે. ત્રણ તલાકનો નિયમ ઘણા દાયકાઓથી મુસ્લિમ મહિલાઓનું શોષણ કરતો રહ્યો છે અને જે કાયદો મહિલાઓનું શોષણ કરે તેને અમે લોકો બિલકુલ નહીં સાંખી લઈએ. એટલે આપણે બધાએ મળીને લોકોને જાગૃત કરવાની જરૂર છે અને સરકારે પણ આમાં દોષિત સાબિત થનારને સજા અપાવવાની જરૂર છે જેથી સમાજમાં એક સંદેશો ફેલાવી શકાય.

શબાનાએ કહ્યું કે ઘણીવાર એવું જોવામાં આવે છે કે લોકો કાયદાની છટકબારીઓના લીધે છુટી જાય છે, એટલા માટે આવા લોકો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી થવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા મળવી જોઈએ. તેમણે મહિલા સશકિતકરણની વાત કરતા કહ્યું કે, સરકાર મહિલાઓને આગળ વધારવા માટે જાત જાતની યોજનાઓ અમલમાં મુકી રહી છે, પણ તેમને મૂળમાંથી લાગુ કરવાની જરૂર છે જેથી મહિલાઓ   પોતાના   હક્ક વિશેની   જાણકારી  મેળવી  શકે.

(3:17 pm IST)