Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

PNB ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર રિટાયરમેન્ટના દિવસે જ બરતરફ

મુંબઇ તા.૧૪: લેટર ઓફ ક્રેડિટ કોૈભાંડનો ભોગ બનેલી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેકટર ઉષા અનંતસુબ્રમણ્યનને સરકારે પાણીચું આપી દીધું છે. તેઓ અલાહાબાદ બેન્કમાં પણ મેનેજિંગ ડિરેકટર હતાં. આ નિર્ણયની જાહેરાત સરકારી નોટીફિકેશનમાં કરવામાં આવી છે.

થોડા મહિનાઓ પહેલાં અલાહાબાદ બેન્કના મેનેજિંગ ડિરેકટર તરીકે ઉષા અનંતસુબ્રમણ્યનના તમામ અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. પંજાબ નેશનલ બેન્કમાં થયેલા ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના કોૈભાંડ બાબતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નોંધાવેલા આરોપનામામાં તેમનું નામ આવ્યા બાદ સરકારે ઉકત નિર્ણય લીધો હતો. આમ છતાં તેમને કામ પર રાખવામાં આવ્યાં હતાં. હવે આખરે તેમને બરતરફ કરવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે ગઇ કાલે તેમનો નિવૃતિનો દિવસ હતો અને એ જ દિવસે તેમની બરતરફીની જાહેરાત કરવામાં આવી હતી.

ઉષા અનંતસુબ્રમણ્યન બે તબક્કામાં પંજાબ નેશનલ બેન્કમાં કાર્યરત હતાં. પહેલાં જુલાઇ ૨૦૧૧ થી નવેમ્બર ૨૦૧૩ સુધી અને પછી ઓગષ્ટ ૨૦૧૫ થી મે ૨૦૧૭મા તેમણે બેન્કનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ તેમને અલાહાબાદ બેન્કમાં મોકલવામાં આવ્યાં હતાં. (૧.૩)

 

(11:45 am IST)