Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અયોધ્યામાં જમીન અમારી, પણ મંદિર માટે આપીશું : શિયા બોર્ડ

'આ મહાન દેશની એકતા, અખંડિતા શાંતિ અને સદ્ભાવ માટે શિયા વકફ બોર્ડ અયોધ્યાની વિવાદિત જમીનના મુસ્લિમોનો હિસ્સો રામ મંદિર નિર્માણ માટે દાન કરવાની તરફેણમાં છે'

નવી દિલ્હી તા. ૧૪ : શિયા વકફ બોર્ડે સુપ્રીમમાં કહ્યું છે કે અયોધ્યામાં વિવાદિત ભૂમિમાં મુસ્લિમોના ભાગનો ખરો દાવેદાર તે જ છે કેમકે, બાબરી મસ્જિદ મીર બાકીએ બનાવડાવી હતી અને તેઓ એક શિયા હતા. જોકે, તેણે ઇચ્છા વ્યકત કરી છે કે તેઓ અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા મુસ્લિમોને આપવામાં આવેલી એક તૃતીયાંશ જમીનને રામ મંદિર બનાવવા માટે હિન્દુઓને દાન કરવા માગે છે.

બોર્ડની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એસ. એન. સિંહે કહ્યું હતું કે 'આ મહાન દેશની એકતા, અખંડિતા શાંતિ અને સદભાવ માટે શિયા વકફ બોર્ડ અયોધ્યાની વિવાદિત જમીનના મુસ્લિમોનો હિસ્સો રામ મંદિર નિર્માણ માટે દાન કરવાની તરફેણમાં છે.'

ઉલ્લેખનીય છે કે શિયા વકફ બોર્ડ અગાઉ પણ રામ મંદિર માટે મુસ્લિમોના ભાગે આવેલી જમીનને દાન કરવાની વાત કરી ચૂકયું છે. બીજી બાજુ મુસ્લિમો અને સુન્ની વકફ બોર્ડ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ રાજીવ ધવને કહ્યું કે 'બામિયાન બુદ્ઘની મૂર્તિઓને મુસ્લિમ તાલિબાનોએ નષ્ટ કરી હતી અને બાબરી મસ્જિદને હિન્દુ તાલિબાનોએ તોડી હતી.'

શિયા વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે શાંતિપૂર્ણરીતે વિવાદ ઉકેલવા માગે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે બાબરી મસ્જિદનો સંરક્ષક એક શિયા હતો અને તેથી જ સુન્ની વકફ બોર્ડ અથવા અન્ય કોઇ ભારતમાં મુસ્લિમોનો પ્રતિનિધિ નથી.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર જમીન વિવાદ પર જારી સુનાવણીમાં મુસ્લિમ પક્ષોની દલીલ ચાલી રહી છે. અગાઉ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ એ નઝીરની ખાસ બેન્ચે ૧૭ મેના રોજે હિન્દુ સંગઠનો તરફથી દલીલો સાંભળી હતી.(૨૧.૩)

(11:44 am IST)