Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સરકારી મહેમાન

સચિવાલય પછી જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ ખાતામાં મોટી ફેરબદલનો ઇન્તજાર

આમ આદમી પાર્ટીનો ડર કોંગ્રેસ કરતાં ભાજપને વધારે છે, કેમ કે શહેરોમાં મતદારોનું વિભાજન થશે : ડોર ટુ ડોર વેકિસનેશન : ગુજરાતના શહેરો પણ બિકાનેર :બને તો કોરોના સંક્રમણમાં નિયંત્રણ આવશે : પાટીદારોના શકિત પ્રદર્શન પછી ગુજરાતમાં ચૂંટણી લક્ષી જ્ઞાતિવાદી રાજકારણનો પ્રારંભ થઇ ગયો

ગુજરાતના વહીવટી તંત્રમાં ૨૬ ઉચ્ચ અધિકારીઓની બદલી પછી હજી બીજા ત્રણ રાઉન્ડ આવી રહ્યાં છે જેનો બ્યુરોક્રેસીને ઇન્તજાર છે. સચિવાલયના વિભાગોમાં થયેલી બદલીઓ હજી અધુરી છે પરંતુ તેની સાથે બોર્ડ-નિગમના ઉચ્ચ અધિકારીઓ, શહેરોના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની બદલીઓ પણ તોળાઇ રહી છે. એટલે કે ફેરબદલની યાદી લાંબી થઇ છે. બીજી તરફ રાજયના પોલીસ વિભાગમાં પોલીસ ભવન, વિવિધ બ્યુરો, શહેરોના પોલીસ કમિશનર,  જિલ્લા પોલીસ અધિક્ષક, ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ બદલીની લાઇનમાં છે. બદલીના હવે પછીના રાઉન્ડ કયારે આવશે તે અનિશ્ચિત છે પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર મોટાપાયે આ ફેરફારો કરે તેવી પ્રબળ શકયતા છે. સરકારમાં એવી પ્રણાલિકા છે કે જે ઓફિસર ત્રણ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા હોય તેને બદલાવમાં આવે છે. આ કારણથી પણ બદલીના રાઉન્ડ નિશ્યિત બન્યાં છે. હંમેશા ચૂંટણી સમયે સત્ત્।ાધારી પાર્ટી એવો આગ્રહ રાખતી હોય છે કે સરકારની નજીકના વિશ્વાસુ અધિકારી કિ-પોસ્ટ પર હોય તો ચૂંટણીમાં તેઓ આડકતરી રીતે મદદરૂપ થઇ શકે છે. બદલીના હવે પછીના રાઉન્ડ માટે સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગમાં બદલીને અનુરૂપ અધિકારીઓની તલાશ પૂર્ણ કરવામાં આવી છે. સરકારે ગયા સપ્તાહમાં જે ઓફિસરોની બદલી કરી હતી તેમાં હાઇકમાન્ડની સ્વિકૃતિ મેળવવામાં આવી હતી. અલબત્ત્।, હવે પછી જે બદલીઓ થવાની છે તેમાં પણ દિલ્હીના માર્ગદર્શન પ્રમાણે નિયુકિત થવાની સંભાવના છે. કોરોના સંક્રમણ ઓછું થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય તેમજ જિલ્લાના વહીવટી તંત્ર પર ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે, જેનું પરિણામ વહીવટી તંત્રમાં ફેરબદલ છે.

આજે નહીં તો કાલે, ડોર ટુ ડોર વેકિસન આપવી પડશે...

ગુજરાતમાં બે કરોડ લોકોને વેકિસન આપવામાં આવી હોવાનો દાવો ગુજરાત સરકારે કર્યો છે પરંતુ એ દિવસો પણ દૂર નથી કે લોકોને ડોર ટુ ડોર વેકિસન આપવામાં આવે. રાજસ્થાન સરકારે આ દિશામાં પહેલ કરી છે અને બિકાનેરથી ડોર ટુ ડોર વેકિસનેશન પ્રોગ્રામ શરૂ કર્યો છે. દેશના બીજા રાજયોએ પણ આ દિશામાં અનુકરણ કરવું પડશે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં વેકિસન લેવા માટે હજી લોકો પુરેપુરા સજ્જ થયા નથી. ગુજરાતમાં વેકિસન લીધેલા લોકોની સંખ્યા બે કરોડ થઇ છે. કોરોના સંક્રમણની બીજી લહેર પછી સરકારે વેકિસનેશન કાર્યક્રમ ઝડપી બનાવ્યો છે અને પ્રતિદિન સરેરાશ ૩ લાખ ડોઝ આપવામાં આવે છે. બે કરોડ પૈકી પ્રથમ ડોઝ લીધેલી વ્યકિતની સંખ્યા ૧.૫૫ કરોડ અને બીજો ડોઝ લીધેલા વ્યકિતઓની સંખ્યા ૪૫ લાખ થઇ છે. ગુજરાતની હાલની પ્રોજેકટેડ વસતી ૬.૫૦ કરોડ છે જે પૈકી ૧.૫૫ કરોડને બાદ કરીએ તો હજી પાંચ કરોડ લોકો વેકસનેશનથી વંચિત છે. દૈનિક વેકિસનની સંખ્યા જો જાળવી રાખવામાં આવે તો મહિને ૯૦ લાખ અને છ મહિને ૫.૪૦ કરોડ લોકોને વેકિસન આપી શકાશે. એટલે કે ગુજરાત છ મહિનામાં ૧૦૦ ટકા વેકિસનેટેડ થઇ શકે છે. જો કે આ કાર્ય માટે સરકારે શહેરો અને ગામડાને પસંદ કરીને ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવું પડે તેમ છે, જે રાજયના આરોગ્ય વિભાગ માટે મોટો પ્રશ્ન છે. જે લોકો વેકિસન લેતા નથી તેમને સરકારી સહાયથી વંચિત રાખવાનો સમય આવી ગયો છે. નિષ્ણાંતો જણાવે છે કે કોઇપણ પ્રદેશમાં ૭૦ ટકા વેકિસનેશન થઇ જાય એટલે કોરોના સંક્રમણ નિયંત્રિત થઇ જાય છે.

મહેસૂલની સુધારણા પછી પંકજકુમાર ગૃહને સુધારશે

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં પ્રથમવાર ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશનની મદદથી ૩૫ નવી જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાંઆવ્યો છે. આ જગ્યાઓ પૈકી નાયબ કલેકટરની પાંચ, મામલતદાર વર્ગની પાંચ, નાયબ મામલતદાર વર્ગની ૧૫ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની ૧૦ જગ્યાઓ ભરવામાં આવશે. આ વિભાગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જગ્યાઓ ભરવામાં આવી રહી છે. રાજયમાં આ એક એવો વિભાગ છે કે જેની ૯૫ ટકા સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે જેથી ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખી શકાયો છે. આ નવી સિસ્ટમથી અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન સિસ્ટમના કારણે પડતર અરજીઓનો ઝડપથી નિકાલ પણ થઇ રહ્યો છે અને પારદર્શકતા પણ વધી છે. મહેસૂલ વિભાગના તત્કાલિન અધિક મુખ્ય સચિવ પંકજકુમારના કાર્યકાળમાં મોટાભાગની સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. હવે પંકજકુમાર ગૃહ વિભાગમાં નિયુકત થયાં છે તેથી આ વિભાગમાં પરિવર્તન આવે તેવી સંભાવના છે. તેઓ રાજયના પોલીસ સ્ટેશનો, પોલીસ ભવન અને ગૃહ વિભાગમાં કેટલાક ટેકનિકલ ફેરફારો કરવા માગે છે જેના કારણે લોકોની યાતનાઓ અને ફરિયાદોનું ઝડપથી નિરાકરણ આવી શકે. વિઝીલન્સ કમિશનર અને એન્ટી કરપ્શન બ્યુરોના મતે સરકારના વિભાગોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલમાં થતો હતો પરંતુ પંકજકુમારે વિભાગમાં કરેલા સુધારાના કારણે ભ્રષ્ટાચારના સૌથી વધુ કેસો શહેરી વિકાસ વિભાગમાં જોવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલાં રાજયમાં જ્ઞાતિવાદ જોર પકડે તેવી દહેશત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ સમાજના આગેવાનો શકિતપ્રદર્શન કરવા લાગ્યા છે. ખોડલધામમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલે તો એલાન કરી દીધું છે કે ૨૦૨૨ની ચૂંટણી પછી ગુજરાતમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઇએ. તેમણે કડવા અને લેઉઆની લડાઇ બંધ કરવા પણ હાકલ કરી છે. નરેશ પટેલની આ જાહેરાતને કોંગ્રેસના હાલના યુવા નેતા અને પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સ્વિકારી લીધી છે. રાજયમાં જયારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે ઓબીસી સમાજે પણ મેદાનમાં ઝંપલાવ્યું હતું તેમ પાટીદારોની માગણી સામે હવે ઓબીસી સમાજ બાંયો ચઢાવે તો નવાઇ પામવા જેવું નથી. રાજયના ઓબીસી સમાજના નેતાઓ પણ એવો દાવો કરી શકે છે કે ગુજરાતનો નવો મુખ્યમંત્રી ઓબીસી સમાજમાંથી આવવો જોઇએ. ઠાકોર સમાજના ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરો અત્યારે ભાજપમાં હોવાથી ચૂપ છે પરંતુ તે ફરીથી સરફેસમાં આવે તેવી સંભાવના છે. એટલું જ નહીં પાટીદાર અનામત આંદોલન સાથે ત્રીજું એક આંદોલન એસટી સમાજનું હતું અને તેનું નેતૃત્વ જીજ્ઞેશ મેવાણી કરતા હતા. ગુજરાતમાં ૨૦૨૨ના વર્ષમાં જ્ઞાતિવાદ જોર પકડે તેવો ભય અત્યારથી જ પેદા થઇ રહ્યો છે, કારણ કે ચૂંટણી નજીક આવતાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી ફરીથી સમાજના ઝંડા લઇને કૂદી પડે તેમ મનાઇ રહ્યું છે.

કોંગ્રેસને નહીં ભાજપને 'આપ'નો વધારે ડર લાગે છે...

આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવાની છે તેવી જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યા પછી કોંગ્રેસની સાથે ભાજપને પણ ડર લાગી રહ્યો છે, કારણ કે આ બન્ને પાર્ટીના મતો ત્રીજી પાર્ટીમાં વહેંચાઇ જશે તો પરિણામમાં મોટું નુકશાન થાય તેમ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસાથે ૨૭ કોર્પોરેટરો સાથે આમ આદમી પાર્ટીએ આશ્યર્ય સજર્યું છે ત્યારે હવે બન્ને પાર્ટીને દહેશત છે કે આ પાર્ટી વિધાનસભામાં ૧૦ થી ૧૫ બેઠકો લઇ જશે. આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો સૌથી વધુ નુકશાન ભાજપને જવાનું છે તે નિશ્યિત એટલા માટે છે કે શહેરી વિસ્તારમાં ભાજપનું અત્યારે વર્ચસ્વ છે, જેમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવી શકે છે. આમ આદમી પાર્ટીના સૂત્રો કહે છે કે આ પાર્ટીમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ વય ૪૫ વર્ષ સુધીની હશે અને ૩૫ ટકા મહિલાઓને પાર્ટી ટિકીટ આપવાનું વિચારી રહી છે. એનો સીધો અર્થ એ થયો કે ભાજપ અને કોંગ્રેસથી નારાજ મતદારોને આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળી રહ્યો છે જે અગાઉની ચૂંટણીમાં જોવા મળ્યો ન હતો. આ સંજોગોમાં ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરતી વખતે બન્ને પાર્ટીઓને યુવા અને મહિલા ઉમેદવારોની વધારે આવશ્યકતા રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટી આ વખતે ભાજપ અને કોંગ્રેસના સંગઠનમાં મોટું ભંગાણ પણ સર્જે તેવી સ્થિતિ સર્જાશે, કેમ કે પાર્ટીથી નારાજ નેતાઓ અને અસંતુષ્ટ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. દાવો છે કે ભાજપ પાસે હાલ ૧.૨૦ કરોડ અને કોંગ્રેસ પાસે ૮૦ લાખ કાર્યકરોની ફોજ છે જેમાં નવી પાર્ટીના ઉદયથી ગાબડાં પડવાની સંભાવના છે.

કોંગ્રેસમાં જૂના-નવા ન ચાલ્યાં હવે કોણ ચાલશે?

ગુજરાતમાં છેલ્લા ૨૮ વર્ષથી સત્ત્।ાવંચિત કોંગ્રેસમાં જૂના અને નવા નેતાઓ ન ચાલ્યા, હવે કયા નેતા ચાલશે તેવો પ્રશ્ન પાર્ટીના કાર્યકરોને સતાવી રહ્યો છે. ફાયરબ્રાન્ડ નેતાનો કોંગ્રેસમાં અભાવ છે. જે ચાર નામ સામે આવે છે તેઓ ચૂંટણી જીતી શકતા નથી પરંતુ તેમને સંગઠનમાં ટોચનું સ્થાન જોઇએ છે. આ ચાર નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને સિદ્ઘાર્થ પટેલ છે. પાર્ટીની સેકન્ડ કેડરના બે નેતાઓ પરેશ ધાનાની અને અમિત ચાવડા ચૂંટણીમાં નિષ્ફળ ગયા છે. પાર્ટી તેના યુવા નેતા હાર્દિક પટેલનો સંપૂર્ણ ઉપયોગ કરતાં ગભરાય છે, કારણ કે તેઓ અસંખ્ય અદાલતી કેસોનો સામનો કરી રહ્યાં છે. જો પાર્ટીમાં હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવે તો સત્ત્।ાધારી ભાજપની સરકાર હાર્દિક સામેના જૂના કેસો ઉખાડીને ફરીથી તેને જેલયાત્રા કરાવી શકે છે જેનો કોંગ્રેસને મોટો ડર છે. ભાજપના હાઇકમાન્ડ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારમાં જૈન સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવ્યા છે અને મરાઠી નેતા સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખપદે બેસાડ્યા છે. આ વખતે તેમણે જ્ઞાતિવાદને દૂર રાખીને બે સુપ્રીમ નિયુકિત કરી પાટીદાર, ઓબીસી અને એસટી સમાજના નેતાઓને ચોંકાવી દીધા છે. કોંગ્રેસ જો આવું કરવા જાય તો પાર્ટીમાં બળવાની સ્થિતિ આકાર પામે તેવી છે, કેમ કે કોંગ્રેસનો એકમાત્ર ગોલ જ્ઞાતિવાદના આધારે ચૂંટણી જીતવાનો છે. કોંગ્રેસના સંગઠનમાં હવે કોણ ચાલશે તે મોટો પ્રશ્ન છે, કેમ કે જે કોઇ જ્ઞાતિમાંથી આવશે તેણે વિધાનસભાની ચૂંટણીનો પડકાર સ્વિકારવાનો છે.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

gpurohit09@gmail.com

(10:59 am IST)