Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

મોલનુંપિરવિર : કોરોનાની દવા મુખ્યત્વે માઇલ્ડથી મોડરેટ લક્ષણોવાળા દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે

સૌપ્રથમ અમેરિકામાં બાદ આ દવાની ભારતમાં પણ મંજૂરી મળી :આ દવા હાલમાં માર્કેટમાં સહેલાઈથી મળી શકશે

નવી દિલ્હી : કોરોનાની સારવાર માટે માર્કેટમાં એક નવી દવાનું આગમન થયું છે. આ દવા છે મોલનુપિરાવિર.સૌથી પહેલાં અમેરિકામાં બનેલી મોલનુપિરાવિર કૅપ્સ્યૂલના વપરાશની પરવાનગી સૌપ્રથમ અમેરિકામાં મળી અને ત્યારબાદ આ પરવાનગી ભારત જેવા દેશોમાં પણ મળી છે.આ દવા હાલમાં માર્કેટમાં સહેલાઈથી મળી શકે છે.

જોકે એક તરફ અનેક નિષ્ણાતો આ દવાની સરખામણી ટોસિલિઝુમેબ અને રેમિડિસિવિર સાથે કરી રહ્યા છે. તો ઘણા તેનો ઉપયોગ કરવા અંગે સંકોચ અનુભવી રહ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ દવા મુખ્યત્વે માઇલ્ડથી મોડરેટ લક્ષણોવાળા દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે છે અને ઘણા નિષ્ણાતો તેના પરિણામથી સંતુષ્ટ પણ છે.

હાલમાં મોલનુપિરાવિરની 13 જેટલી કંપનીઓની અલગ-અલગ નામ સાથેની દવાઓ માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં મુખ્ય ગણાતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી દવાઓનો સમાવેશ થાય છે.

તેમાં મુખ્યત્વે ડૉ.રેડ્ડી, ઝુવેન્ટસ હેલ્થકૅર લિમિટેડ, બીડીઆર, ઑપ્લટિમસ, સિપ્લા, સન ફાર્મા વગેરે જેવી કંપનીઓ સમાવિષ્ટ છે. આ ડ્રગનો ઉપયોગ ઇંગ્લૅન્ડ, અમેરિકા સહિત ભારતમાં થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી IANSના એક અહેવાલ પ્રમાણે, અમેરિકન કંપની મર્ક દ્વારા આ દવાનું સૌથી પહેલા નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ 'યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન' દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે

ઓમિક્રૉનના વધતાં કેસો પછી ભારતમાં પણ આ દવાના વપરાશની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે

કોવિડ-19ના દર્દીઓનો ઇલાજ કરતા ઘણા ડૉક્ટરો મોલનુપિરાવિર કૅપ્સ્યૂલ આપવાની તરફેણમાં છે.

આ વિશે અમે કોવિડ-19 દર્દીઓનું ઇલાજ કરતા અને ફેફસાંના નિષ્ણાત પલ્મોલૉજિસ્ટ ડૉ. પાર્થિવ મહેતા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે, "આ દવાના ઉપયોગને લઈને ઘણી ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે, હકીકતમાં કોવિડ-19ના દર્દીઓમાં આ દવાનાં ખૂબ સારાં પરિણામ છે. આ દવા આપી હોય તેવા દર્દીઓમાં 30 ટકા જેટલા દર્દીઓને દાખલ ન કરવા પડે જે ખૂબ જ સારી ટકાવારી કહેવાય."

તેમણે વધુમાં કહ્યું કે આ કૅપ્સ્યૂલની મદદથી કોવિડ-19 દર્દીનો વાઇરલ લોડ ત્રણથી પાંચ દિવસ દરમિયાન ઓછો કરી શકાય છે અને દર્દીની હાલત ગંભીર થતા અટકે છે.

ડૉ. મહેતાએ આગળ કહ્યું કે, "મુખ્યત્વે મોટી ઉંમરના લોકો કે 40થી વધુની ઉંમરના લોકો માટે આ દવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે અને તેઓ કોવિડ-19ને કારણે હેરાન થતા અટકે છે."

સમાચાર એજન્સી એએનઆઈના એક અહેવાલ પ્રમાણે, નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઑફ ઇન્ડિયાના વર્કિંગ ગ્રૂપના ચૅરમૅન ડૉ. એન. કે. અરોરાનું પણ આવું જ માનવું છે.

(8:40 pm IST)