Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

જયપુરનો અનોખો કિસ્સો

દોઢ વર્ષ પહેલા થયું પિતાનું મૃત્યુઃ પુત્રીએ કરાવ્યા માતાના બીજા લગ્ન

જયપુર તા. ૧૩ : ધૂમધામથી પોતાના બાળકોના લગ્ન કરાવવા તે દરેક માતાપિતાનું સપનું હોય છે. પરંતુ જયપુરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જયાં પુત્રીએ પોતાની વિધવા માતામાં ખુશીઓ લાવવા માટે તેના બીજા લગ્ન કરાવ્યા.

જયપુરમાં રહેતી સંહિતા હાલ ગુરૂગ્રામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પિતાનું મૃત્યુ ૨૦૧૬માં હાર્ટ અટેકને કારણે થયું હતું. તેણે જણાવ્યું કે પિતાના મૃત્યુ બાદ માતા ગીતા અગ્રવાલ(૫૩) એકદમ એકલી અને ઉદાસ થઈ ગઈ હતી.

સંહિતાએ જણાવ્યું કે, 'મેં માતાને કહ્યા વગર મેટ્રિમોનિયલ સાઈટ પર તેની પ્રોફાઈલ બનાવી હતી, ત્યાર બાદ બાંસવાડાના રહેનારા રેવેન્યુ ઈન્સ્પેકટર કે જી ગુપ્તા (૫૫)એ તેમનો સંપર્ક કર્યો. ત્યાર બાદ આગળ વાત ચાલી હતી.' ગુપ્તાજીની પત્નીનું ૨૦૧૦માં કેન્સરને કારણે મૃત્યુ થયું હતું.

પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યકત કરતા સંહિતાએ કહ્યું કે, 'મમ્મી કહે છે લગ્ન કરવાની ઉંમર તારી છે, મારા લગ્ન કેમ કરાવે છે. તારા લગ્નમાં મુશ્કેલી આવશે. હવે તે જોઈ શકે છે કે સમાજ બદલી ગયો છે. હવે જે કરવાનું છે તે છે લાઈફને ફરી નોર્મલ કરવી. એક પિતાને જો હમસફરની જરૂર હોય તો તે ખુલ્લા મને બાળકોને વાત કરી શકે છે પરંતુ એક માને હંમેશા શરમના પડદામાં છુપાયેલું રહેવું પડે છે તે પણ કહે કે મારે પણ જીવવું છે પહેલાની જેમ.' તેણે વધુમાં કહ્યું કે, 'મેં માત્ર શરૂઆત કરી છે. તમે લોકો સહયોગ કરો તો આ દેશમાં ઘરની બહાર માળા ફેરવતા વૃદ્ઘો જોવા નહીં મળે. તેમની ઈચ્છા હોય છે કે કોઈ તેમની સાથે વાત કરે, કોઈ તેમના હાલ પૂછે. આપણે તેમની એકલતાને દૂર કરવી જોઈએ.' (૨૧.૧૪)

(11:45 am IST)
  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છે જ access_time 11:48 am IST

  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી access_time 10:20 am IST

  • કચ્છના લોરિયા પાસે ગોઝારા માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્ર-ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવકોના કરૂણમોત : મરનાર તમામ એક જ ગામ મોટા ગુંદાળાના છે : ઇકો કાર અને લક્ઝરી બાદ વચ્ચેની ટક્કરમાં મૃતકો ઇકો કારમાં હતા : કારનો બુકડો બોલી ગયો : લકઝરી બસ ભુજ થી ખાવડા જતી હતી : ઇકો કાર ખવડાથી ભુજ તરફ આવતી હતી : આ બધા યુવકો સફેદ રણ જતા હતા ત્યારે કચ્છના લોરિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં બધા જ 9ના સ્થળ પર જ મોત થયા છે access_time 11:53 pm IST