Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ સંસદની અચાનક કાર્યવાહી સ્થગિત કરી સિંગાપોર માટે રવાના થયા

સંસદના સત્રને એક સપ્તાહ માટે સ્થગિત કરીને સિંગાપુર ચાલ્યા જતા અનેક તર્કવિતર્ક

કોલંબો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ અચાનક એક સપ્તાહ માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દીધી છે. તેઓ સિંગાપુર માટે રવાના થઈ ગયા. તેમની આ મુસાફરી અગાઉથી નક્કી નહોતી અને તેના વિશે કોઈને જાણકારી પણ નહોતી. આ રીતે સંસદના સત્રને એક સપ્તાહ માટે સ્થગિત કરીને તેમનું આ રીતે સિંગાપુર ચાલ્યા જવું અનેક સવાલ ઊભા કરે છે. જોકે, શ્રીલંકાની સરકાર તરફથી આ મામલામાં હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

 

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ 11 જાન્યુઆરીએ સંસદની કાર્યવાહી થઈ હતી. તેના પછી 12 ડિસેમ્બરે કાર્યવાહી થવાની હતી, પરંતુ રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદને સ્થગિત કરી દીધી. હવે ફરી સંસદની કાર્યવાહી 18 ડિસેમ્બરે થશે.
સંસદના સત્રને સસ્પેન્ડ કરીને થોડા જ કલાકો બાદ રાષ્ટ્રપતિ રાજપક્ષે સિંગાપુર માટે રવાના થઈ ગયા. રાષ્ટ્રપતિના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ અંગત યાત્રા ઉપર ગયા છે, તો અમુકનું માનવું છે કે, રાજપક્ષે મેડિકલ કારણોસર સિંગાપુર ગયા છે.

ગોટબાયા રાજપક્ષે શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના નાના ભાઈ છે. રાજપક્ષેનો જન્મ 20 જૂન, 1949ના રોજ શ્રીલંકાના એક પ્રતિષ્ઠિત રાજકીય કુટુંબમાં થયો હતો. તેઓ 9 ભાઈ બહેનોમાં પાંચમાં સ્થાન ઉપર છે. તેમના પિતા ડીએ રાજપક્ષે 1960ના દાયકામાં વિજયાનંદ દહાનાયકની સરકારમાં મુખ્ય નેતા હતા અને શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના સંસ્થાપક સભ્ય હતા. રાજપક્ષેએ પોતાનો સ્કૂલનો અભ્યાસ કોલંબોમાં પૂરો કર્યો. તેઓ 1971માં શ્રીલંકાની સેનામાં અધિકારી કેડેટ તરીકે સામેલ થયા હતા.

(12:01 am IST)