Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

મહિલા વિરોધી સવાલ ઉપર કોંગી દ્વારા સરકારની ઝાટકણી

ધો.૧૦ના પેપરના સવાલનો મુદ્દો લોકસભામાં ગાજ્યોઃ સરકારે આ મામલે માફી માગવા, શિક્ષા મંત્રાલયે ભૂલ કરી છે અને આ સવાલ પણ પાછો ખેંચાવા સાંસદોની માગ

નવી દિલ્હી, તા.૧૩: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.૧૦ની પરીક્ષામાં અંગ્રેજીના પેપરમાં પૂછાયેલા સવાલનો મુદ્દો લોકસભામાં ગાજ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે સરકારની ઝાટકણી કાઢી છે.સોનિયા ગાંધીએ મહિલા વિરોધી સવાલ અંગે લોકસભામાં કહ્યુ હતુ કે, સરકારે આ મામલે માફી માંગવી જોઈએ. શિક્ષા મંત્રાલયે ગંભીર ભૂલ કરી છે અને આ સવાલ પણ પાછો ખેંચાવો જોઈએ. વાત એવી છે કે, પેપરમાં એક પેરાગ્રાફ દર્શાવીને તેના પર સવાલોના જવાબ આપવા માટે વિદ્યાર્થીઓને કહેવાયુ હતુ.આ પેરેગ્રાફમાં ઉલ્લેખ કરવામાં આવ્યો  હતો કે,  મહિલાઓએ પરિવારમાં શિસ્ત જળવાઈ રહે તે માટે પતિની આજ્ઞાનુ પાલન કરવુ જોઈએ.મહિલા જ્યારે પોતાના પતિનો આદેશ સ્વીકારશે તો તે જોઈને બાળકો પણ આદેશનુ પાલન કરશે.જોકે મહિલાઓના સશક્તિકરણથી બાળકો પર માતા પિતાનો જે અધિકાર છે તે ઓછો થવા માંડ્યો છે. દરમિયાન પ્રિયંકા ગાંધીએ પણ આ પેપરની તસવીર શેર કરીને કહ્યુ હતુ કે, આપણએ બાળકોને મહિલાઓ માટે આ પ્રકારનુ શિક્ષણ આપવા માંગીએ છે...એવુ લાગે છે કે, ભાજપ આ પ્રકારના મહિલા વિરોધી વિચારોનુ સમર્થન કરી રહી છે. આ માની ના શકાય તેવુ છે....
આ મુદ્દે થયેલા વિરોધ બાદ સીબીએસઈ દ્વારા આ સવાલ પેપરમાંથી હટાવી દેવાની જાહેરાત કરાઈ છે અને તેના પૂરા માર્ક વિદ્યાર્થીઓને મળશે તેવુ નોટિસમાં કહેવાયુ છે.

 

(7:44 pm IST)