Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

WHOનું ચોંકાવનારૂ નિવેદન

કોરોના વેરિયન્ટ ઓમિક્રોન ૬૩ દેશોમાં ફેલાયું

ડબ્લ્યૂએચઓએ કહ્યું કે સંક્રમણની ગતિને જોતા લાગે છે કે ટૂંક સમયમાં તે ડેલ્ટા વેરિયન્ટને પાછળ છોડી દેશે

નવી દિલ્હી, તા.૧૩: કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સમગ્ર વિશ્વમાં દહેશત જોવા મળી રહી છે. ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. આ દરમિયાન WHOનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું છે કે, ઓમિક્રોન ૬૩ દેશોમાં ફેલાઈ ચૂકયું છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે સંક્રમણની ગતિને જોતા લાગે છે કે ટૂંક સમયમાં તે ડેલ્ટા વેરિયન્ટને પાછળ છોડી દેશે.

ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, અમને સમજાતું નથી કે તે આટલી ઝડપથી કેવી રીતે ફેલાઈ રહ્યું છે. ડબ્લ્યૂએચઓએ જણાવ્યું કે, ૯ ડિસેમ્બર સુધીમાં ૬૩ દેશોમાં કોરોના વેરિયન્ટ ઓમિક્રોનના નવા કેસ નોંધાયા છે. મળતી માહિતી અનુસાર, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે ડેલ્ટા વેરિયન્ટને થોડા જ સમયમાં પાછળ છોડી દેશે.ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, જો ઓમિક્રોન સંક્રમણ અંગેનો શરૂઆતનો ડેટા જોવામાં આવે તો તે કોવિડની રસીની અસરને દ્યટાડી શકે છે. આ સાથે ડબ્લ્યૂએચઓએ રાહત આપતું નિવેદન પણ આપ્યું છે. ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું ખતરનાક છે.

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન પ્રથમવાર દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું હતું. તેના પ્રારંભિક ડેટાના અભ્યાસ જાણવા મળે છે કે કોરોના રસી અમુક હદ સુધી સુરક્ષા આપવા માટે સક્ષમ છે, પરંતુ નવી અપડેટ પછી ઓમિક્રોન પર રસીની અસર વિશે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે કે શું રસીની અસર નવા વેરિયન્ટ પર થશે કે નહીં?

(3:32 pm IST)