Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બિહારમાં કોંગ્રેસ નહીં RJD મોટાભાઈ તરીકે હોવાનો દાવો

મહાગઠબંધન બનાવતા પહેલા વિવાદ શરૂ થયા : બિહારમાં કોંગ્રેસ પાર્ટી આરજેડી ઉપર પ્રભુત્વ ન જમાવી શકે : આરજેડી વધારે જનાધાર ધરાવે છે : ભાઈ વિરેન્દ્ર

પટણા, તા. ૧૨ : પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ એકબાજુ સરકાર રચવાની કવાયત તીવ્ર બની હતી. બીજી બાજુ બિનભાજપ નેતાઓની ભાગદોડ પણ શરૂ થઇ ગઈ છે. કોંગ્રેસના સંભવિત ગઠબંધનને લઇને બિહારમાં આરજેડીના તેવર મુશ્કેલ ભરેલા દેખાઈ રહ્યા છે. આરજેડીનું કહેવું છે કે, બિહારમાં તો તેમની પાર્ટી મોટા ભાઈની ભૂમિકા અદા કરશે. આરેજડીના નેતા અને ધારાસભ્ય ભાઈ વિરેન્દ્રએ કહ્યં છે કે, બિહારમાં આરજેડી મોટી પાર્ટી છે જેથી તેની ભૂમિકા મોટાભાઈની રહેશે. ચૂંટણીમાં જીત બાદ કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ વધશે તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અહીં આરજેડી ઉપર કોંગ્રેસ પાર્ટી પ્રભુત્વ જમાવી શકે નહીં. મોટાભાઈ સામે બોલવાની કોઇ હિંમત કરી શકે નહીં. તેમણે કહ્યું હતું કે, બિહારમાં આરજેડી મોટી પાર્ટી તરીકે છે. આ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યાના એક દિવસ પહેલા દિલ્હીમાં બિનભાજપ પક્ષોની મહત્વની બેઠક મળી હતી જેમાં આરજેડી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઇશારા ઇશારામાં પોતાના મોટા જનાધારનો દાવો કરતા કહ્યું હતું કે ક્ષેત્રિય પક્ષોને પુરતો ન્યાય આપવો પડશે. તેમણે કહ્યું હતું કે જે રાજ્યોમાં મહાગઠબંધનના મજબૂત પક્ષના જનાધાર છે તેમને ત્યાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવામાં આવે તે જરૂરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને અભિનંદન આપતા તેજસ્વીએ કહ્યું હતું કે, આ પ્રજાની જીત થઇ છે. પ્રજાના સહયોગ સાથે જીત થઇ છે. દેશની ભાવનાઓને પોતાના મત મારફતે સન્માન આપવા માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની જનતાનો તેજસ્વીએ આભાર માન્યો હતો. તેજસ્વીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસના તમામ વિજેતા ઉમેદવારોને તેઓ શુભેચ્છા પાઠવે છે. જોર જુલ્મની સામે સંયુક્ત સંઘર્ષ આગામી દિવસોમાં પણ જારી રહેશે.

(12:00 am IST)