Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

ભારતનો જીડીપી ઘટીને ૫ ટકા સુધી નીચે પહોંચી શકે

સીએલએસએના નિવેદનમાં દાવો કરવામાં આવ્યો : જુલાઈ-સપ્ટેમ્બર જીડીપી ગ્રોથ ૪.૨-૪.૭ ટકા રહી શકે

મુંબઈ, તા. ૧૩ : ભારતનો જીડીપીનો આંકડો નાણાંકીય વર્ષ ૨૦૨૦માં પણ ઘટશે અને આ આંકડો પાંચ ટકા સુધી નીચે જશે તેવા અહેવાલને લઇને રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે. આજે ભારે ઉથલપાથલની સ્થિતિ રહી હતી. બીજી બાજુ ફેક્ટ્રી ઉત્પાદનના આંકડામાં પણ નિરાશાજનક સ્થિતિ જોવા મળી રહી છે. અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, ભારતમાં જુલાઈ-સપ્ટેમ્બર જીડીપી ગ્રોથનો આંકડો ૪.૨-૪.૭ ટકા વચ્ચે રહી શકે છે. આ ગાળા દરમિયાન સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિમાં જ પણ નિરાશા જ રહી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ નાણાંકીય વર્ષની બાકીની બે પોલિસી બેઠકમાં ૫૦ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવી શકે છે. આર્થિક મંદીને દૂર કરવાના હેતુસર રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. હાલમાં જ કરવામાં આવેલા રેટમાં કાપની વધારે અસર દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં આરબીઆઈ દ્વારા વધુ ઘટાડો કરવામાં આવી શકે છે. શેરબજારમાં પરિસ્થિતિ પર નજર રાખી રહેલા જાણકાર લોકોનું પણ કહેવું છે કે, હાલમાં ભારતના જીડીપીનો આંકડો પાંચ ટકાની નીચી સપાટી ઉપર પહોંચી શકે છે. જુલાઈ-સપ્ટેમ્બર જીડીપી ગ્રોથના આંકડાને લઇને જુદા જુદા અર્થશાસ્ત્રીઓની ચિંતા અકબંધ રહી છે. વૈશ્વિક મંદી સાથે આર્થિક મંદીને જોડતા એસબીઆઈ દ્વારા હવે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ગ્રોથ માટેનો તેનો અંદાજ ઘટાડીને ૪.૨ ટકા કરી દીધો છે.

               સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટે નિચલી સ્તરનો સુધારેલો અંદાજ ૫ ટકાનો આપ્યો છે. આવી જ શક્યતા અન્ય અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વર્તમાન માઇક્રો પર્યાવરણ હેઠળ મોનિટરી પોલિસીની અસર વધારે અસરકારકરીતે દેખાઈ રહી નથી. ફિસ્કલ પોલિસી કરતા મોનિટરી પોલિસી ઓછી અસરકારક દેખાઈ રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નિચા વ્યાજદરો મૂડીરોકાણની માંગમાં વધારો કરવા માટે કોઇ ગેરન્ટી તરીકે નથી.

(7:55 pm IST)