Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

જેએનયુ : ભારે વિરોધ બાદ ફી વધારો પરત ખેંચી લેવાયો

ક્લાસમાં પરત ફરવા વિદ્યાર્થીઓને આદેશ કરાયો : ફીમાં વધારો અને અન્ય નિયમો સાથે જોડાયેલા નિર્ણયો પરત લેવાયા : આર્થિકરીતે પછાત વિદ્યાર્થીઓને સહાયતા

નવીદિલ્હી, તા. ૧૩ : હોસ્ટેલ ફીમાં વૃદ્ધિની સામે જેએનયુ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ આખરે વહીવટીતંત્રએ આ નિર્ણયને પરત લઇ લીધો છે. વિરોધ પ્રદર્શન રંગ લાવતા ફીમાં વધારાને પરત લેવામાં આવ્યો છે. બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ તરત જ પરત ફરે તે જરૂરી છે. હોસ્ટેલ ફીમાં વધારાની સામે જેએનયુના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. શિક્ષણ સચિવ આર સુબ્રમણ્યમે આજે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, કારોબારી કમિટિએ હોસ્ટેલ ફીમાં વૃદ્ધિ અને અન્ય નિયમ સાથે જોડાયેલા પોતાના નિર્ણયને પરત લઇ લીધો છે. વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન પરત ખેંચીને પાછા ક્લાસમાં આવે તેવી અમારી રજૂઆત છે. શિક્ષણ સચિવે કહ્યું હતું કે, કારોબારી કમિટિની બેઠકમાં આર્થિકરીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને નાણાંકીય સહાયતા ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત યોજનાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે.

                  વિદ્યાર્થીઓ પ્રદર્શન સાથે અડચણો અને આશંકાને ધ્યાનમાં લઇને યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા કારોબારી કાઉન્સિલની બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા. કારોબારી કાઉન્સિલ જેએનયુની સૌથી મોટી નિર્ણય લેતી સંસ્થા છે. બીજી બાજુ જેએનયુના ટીચર્સ એસોસિએશન તરફથી માંગ કરવામાં આવી છે કે, કારોબારી કાઉન્સિલની બેઠકનું સ્થાન બદલવાની માહિતી તેમને આપવામાં આવી નથી. આરટીઓની પાસે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી માંગણીઓ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ હોસ્ટેલ મેન્યુઅલના ડ્રાફ્ટને પરત લેવાની પણ માંગ કરી રહ્યા હતા જે મુજબ તેમના હોસ્ટેલ રુમના ભાડાને અનેકગણો કરવાની વાત કરવામાં આવી હતી. ઉપરાંત વિઝિટર્સ માટે રાત્રે ૧૦.૩૦ બાદ હોસ્ટેલથી નિકળવાની જોગવાઈ પણ હતી.

(7:46 pm IST)