Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

રોજમદાર મજૂરોની આત્મહત્યાના કેસમાં ૬૦ ટકાનો વધારો

ખેડૂતોની આત્મહત્યાના કેસ ઘટ્યા

નવી દિલ્હી, તા. ૧૩ :. વર્ષ ૨૦૧૬માં દેશભરમાં રેકોર્ડ ૨૫૧૬૪ રોજમદાર મજૂરોએ આત્મહત્યા કરી હતી. આ આંકડો ૨૦૧૪ના આંકડા કરતા ૬૦ ટકા વધારે છે. ૨૦૧૪માં રોજમદાર મજૂરોની આત્મહત્યાના ૧૫૭૩૫ કેસ નોંધાયા હતા. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટમાં આવું કહેવાયુ છે. એનસીઆરબી અનુસાર ૨૦૧૬માં ખેડૂતોની સરખામણીમાં રોજમદાર મજૂરોની આત્મહત્યાના કેસ બમણા હતા. ૧૧૩૭૯ ખેડૂતોની સામે ૨૫૬૧૪ રોજમદાર મજૂરોએ આત્મહત્યા કરી હતી. જો કે ખેડૂતોની આત્મહત્યાના કેસનો આ આંકડો ૨૦૧૪ના ૧૨૩૬૦ના આંકડા કરતા ઘણો ઓછો છે. બે વર્ષ મોડા બહાર પડેલા 'એકસીડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઈડસ ઈન ઈન્ડીયા' રિપોર્ટમાં એ પણ જોવા મળ્યું કે ૨૦૧૬માં ગૃહિણીઓની આત્મહત્યાના કેસ ૨૦૧૪ના ૨૦૧૪૮થી વધીને ૨૧૫૬૩ થઈ ગયા. ભારતમાં સૌથી વધુ આત્મહત્યા કરનારા વર્ગમાં ગૃહિણીઓ પ્રથમ નંબર પર નથી. ૨૦૧૫ પછી ૨૦૧૬માં સતત બીજીવાર ગૃહિણીઓ કરતા રોજમદાર મજૂરોની આત્મહત્યાના કેસો વધારે રહ્યા હતા.

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના અસંગઠિત ક્ષેત્ર અને શ્રમ અધ્યયન વિભાગમાં સહાયક પ્રોફેસર અનિમિત્રા રાય ચૌધરી રોજમદાર મજૂરોની દુર્દશા માટે બિનખેતી ક્ષેત્ર પર કૃષિ ક્ષેત્રની નિર્ભરતાને જવાબદાર ગણાવે છે. તેમના અનુસાર, ૨૦૧૪ અને ૨૦૧૫માં સતત ૨ વર્ષ દુષ્કાળ પડવાથી બિનકૃષિ ક્ષેત્રમાં મજૂરોની આપૂર્તિ વધી ગઈ. આની સીધી અસર મજૂરીના દર અને કામની ઉપલબ્ધતા પર પડી. રાય ચૌધરી એમ પણ કહે છે કે ૨૦૧૯માં બહાર પડેલ સામયિક શ્રમ બળ સર્વે રિપોર્ટમાં વર્ષ ૨૦૦૪થી ૨૦૧૧ અને ૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે ભારતમાં રોજમદાર મજૂરીના દરમાં વૃદ્ધિ અડધી હોવાનો દાવો કરાયો છે. આ પણ રોજમદાર મજૂરોની આત્મહત્યા વધવાનું કારણ છે. ખેડૂત આત્મહત્યાથી રાજકીય નુકસાનની આશંકાથી રાજ્યો દ્વારા ખેડૂતની આત્મહત્યાને રોજમદાર ખેડૂતની આત્મહત્યા તરીકે ગણાવવું પણ આના માટેનું એક કારણ છે. ૨૦૧૬માં પશ્ચિમ બંગાળ, બિહાર, હરિયાણા સહિત નવ રાજ્યોએ ખેડૂત આત્મહત્યાનો એક પણ કેસ નથી દર્શાવ્યો.

(11:44 am IST)