Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સંગઠન પ્રભારી મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી શતાબ્દી ટ્રેનના ટોઇલેટમાં ફસાતા દરવાજાનું તાળુ તોડીને મહા મહેનતે બહાર કાઢી શકાયા

મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીના પૂર્વ સંગઠન પ્રભારી મહામંત્રી ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી માટે શતાબ્દીની સફર સજા બની હતી. ટ્રેનના ટોઈલેટમાં તેઓ એવા ફસાયા કે દોઢ કલાક સુધી મુસીબત સહન કરવી પડી હતી. ટોઈલેટ ગયેલા નેતાજી દરવાજાની સ્ટોપર જામ થઈ જવાના કારણે અંદર ફસાઈ ગયાં હતાં. પહેલા તેમણે કેટલાક સમય સુધી દરવાજો ખખડાવ્યો અને પછી દીકરાને ફોન લગાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં દીકરાએ રેલવે હેલ્પલાઈનને નંબર લગાવ્યો હતો. જે પછીથી ચંદ્રિકા પ્રસાદને બહાર નીકાળવામાં આવ્યાં હતાં. શતાબ્દી એક્સપ્રેસ ભોપાલ સ્ટેશનથી બપોરે 3.22 કલાકે નીકળી હતી. જેના કોચ સી-4ની બર્થ 33 પર ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી સફર કરી રહ્યાં હતાં. ટ્રેન વિદિશા પહોંચવાની હતી ત્યારે તે ટોઈલેટ ગયાં હતાં. જ્યારે બહાર નીકળવા માટે સ્ટોપર ખોલી તો તે ખુલી નહોતી. તેણે ઘણી કોશિશ કરી પરંતુ મદદ આવી નહોતી. પછી તેણે ચાર કલાક 20 મિનિટ પર નીરજ દ્વિવેદીને ફોન કર્યો.

નીરજે પહેલા રેલવેના 138 નંબર પર ફોન કર્યો. કોઈએ ફોન રીસિવ કર્યો નહોતો. પછી તેણે બીજા ટોલ ફ્રી નંબર 1512 પર સંપર્ક કર્યો અને ઘટનાની જાણકારી આપી હતી. 30 મિનિટ પછી સાંજે 4.50 કલાકે લલિતપુર જીઆરપી સાથે સંપર્ક કરવામાં આવ્યો. જીઆરપીએ ટ્રેનની ટેક્નિકલ ટીમને કોચમાં મોકલી હતી.

રેલવેના બે કર્મચારીઓએ સાંજે પાંચ કલાકે હથોડી લઈને દરવાજો ખોલવાનું શરુ કર્યું હતું. દોઢ કલાકની મહામુસીબતે કર્મચારીઓ દરવાજાની સ્ટોપર તોડી શક્યા હતાં. ચંદ્રિકા પ્રસાદ દ્વિવેદી સાંજે 5.55 કલાકે બહાર નીકળ્યાં હતાં.

(8:56 am IST)