Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સીરિયલ કિલર : દરજીએ ૩૩ લોકોની કરી ઘાતકી હત્યા : ટ્રક ડ્રાઇવરને બનાવતો શિકાર

સવારે દરજી, રાત્રે હત્યારો : કબૂલનામુ સાંભળી પોલીસ અચંબામાં

ભોપાલ તા. ૧૨ : ભોપલના બહારના વિસ્તારમાં આવેલી નાનકડી દુકાનમાં આદેશ ખમારા દિવસે સિલાઈ મશીન પર કપડા સીવતો અને રાત્રે જયારે ઊંઘવા જતો ત્યારે પલંગમાં પડ્યા પડ્યા તેને ખતરનાક ઘટનાઓને અંજામ આપવાના વિચારો આવતા. આ દરમિયાન તે પોતાની જાતને કુહાડીની ધાર કાઢતાં કે જલ્લાદની જેમ ફાંસીનો ગાળિયો તૈયાર કરતા જોતો હશે. હત્યાઓની શરૂઆત થઈ ૨૦૧૦માં, પ્રથમવાર મહારાષ્ટ્રનું અમરાવતી અને પછી નાસિક. એ પછી તો જાણે મધ્યપ્રદેશમાં મૃતદેહો મળવાનો સિલસિલો શરૂ થયો.

મહારાષ્ટ્ર, ઉત્ત્।રપ્રદેશ અને બિહારમાંથી ઘણી લાશ મળી અને આ તમામ હત્યાઓને જોડતી એક કડી હતી. જેની પણ હત્યા થઈ તે વ્યકિત ટ્રક ડ્રાઈવર હતો અથવા તો તેનો સહયોગી. કોઈએ કયારેય વિચાર્યું પણ નહીં હોય કે આ ખૂનીખેલ ખેલનાર વ્યકિત મંડીદીપનો એક મિલનસાર દરજી હશે. ગયા અઠવાડિયે સ્થાનિક પોલીસે આદેશ ખમારાની ધરપકડ કરી ત્યારે ૩૦ હત્યાનું તેનું કબૂલનામું સાંભળીને પોલીસ પણ અચંબિત થઈ. મંગળવારે આદેશે કબૂલ્યું કે તેણે વધુ ૩ હત્યા પણ કરી હતી.

૩૩ હત્યાઓ કરનાર આદેશનું નામ ભારતના સીરિયલ કિલર્સમાં સામેલ થયું છે. આ લિસ્ટમાં ૪૨ લોકોના ગળા કાપનાર રમણ રાઘવ, નિઠારી કાંડમાં દોષી સુરેંદ્ર કોળી અને કોલકત્ત્।ાના સ્ટોનમેન જેવા ગુનેગારો સામેલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ દિવસ પીછો કર્યા બાદ અમારી એક બહાદુર મહિલા પોલીસકર્મીના કારણે ઉત્ત્।રપ્રદેશના સુલતાનપુરના એક જંગલમાંથી ગયા અઠવાડિયે આદેશને ઝડપી લેવાયો. જેટલી ઝડપથી તે હત્યાઓ વિશે કબૂલતો હતો તેટલી જ મુશ્કેલી પોલીસને જાણકારી મેળવવામાં ઉઠાવી પડી. તેના કબૂલનામા બાદ પાડોશી રાજયોને પણ બંધ કરાયેલા કેસ ફરી ખોલવા પડ્યા.

તાઈકવોન્ડોમાં બ્લેક બેલ્ટ અને જૂડોમાં એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સિટી એસપી બિટ્ટુ શર્માએ આદેશ ખમારાને મોડી રાત્રે બંદૂકની અણીએ કાબૂ કર્યો. આરોપીને પકડ્યો ત્યારે એસપી બિટ્ટુ શર્મા અને ટ્રક ડ્રાઈવરની હત્યાના બે કેસની આગેવાની કરી રહેલા એસપી રાહુલ કુમારને એ વાતનો અંદેશો હતો કે પકડાયેલો આરોપી એક સીરિયલ કિલર છે. હત્યાઓ કરવામાં આદેશનો સાથ આપનારા જયકરને પૂછ્યું કે તેઓ ટ્રક ડ્રાઈવર્સને નિશાન કેમ બનાવતા હતા. જવાબમાં તેણે હસતાં હસતાં કહ્યું કે, એ તો ટ્રક ડ્રાઈવર્સને મોક્ષ આપતા હતા. તેમનું જીવન ઘણું મુશ્કેલ હોય છે. હું તો તેમને કષ્ટમાંથી છૂટકારો અપાવીને મુકિતના માર્ગે મોકલી રહ્યો છું.

તપાસમાં સામેલ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આદેશની પૂછપરછ કરવી બેચન કરનારું કામ છે કારણકે તેને જરા પણ પસ્તાવો નથી. એક પોલીસ ઓફિસરે જણાવ્યું કે, જે પણ વ્યકિતની આદેશે હત્યા કરી છે તેના વિશેની નાનામાં નાની વિગત તેને યાદ છે. હત્યા પહેલા છેલ્લી વાર કયાં અને શું ખાધું, કયા કપડાં પહેર્યા હતા, કયાં અને કોની હત્યા કરી, કેવી રીતે હત્યા કરી અને લાશ કયાં ફેંકી બધું જ યાદ છે. હત્યા પહેલા તેણે શરીરના જે જગ્યા પર હુમલો કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો તે જ જગ્યા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બહાર આવી છે.

ખમારા સમાજના લોકોના વંશજો ભાગલા બાદ પાકિસ્તાનથી આવ્યા હતા. કુખ્યાત અશોક ખમારાના કારણે સમાજ શર્મસાર છે. હવે આદેશ ખમારાનો ખુલાસો પણ તેમના માટે ઝટકા સમાન છે. આદેશનો દીકરો એક સ્થાનિક સંસ્થામાં કામ કરે છે. આદેશની હકીકત જાણ્યા બાદ તેની પત્ની અને દીકરીઓ આઘાતમાં છે. આદેશના મોટા પુત્ર શુભમનું કહેવું છે કે, અમને ન્યૂઝપેપર દ્વારા તેમણે કરેલી હત્યાઓ વિશે જાણ થઈ. છેલ્લે અમે ૧૫ ઓગસ્ટે તેમને જોયા હતા. એ વખતે તે નાગપુરમાં એક જૂના કેસની સુનાવણી માટે જતા હતા. અમને તેમની આ ખતરનાક હકીકત વિશે જાણ નહોતી.

(4:05 pm IST)