Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

દિલ્હીમાં હાર થયા બાદ ભાજપના બંગાળ એકમમાં દુવિધાની સ્થિતિ

લોકસભા અને વિધાનસભાના મુદ્દાઓ જુદા જુદા હોવાના અભિપ્રાય : સીએએ-એનઆરસી સહિત મુદ્દાઓ ચમકાવી આક્રમક વલણ સાથે મેદાનમાં ઉતરવા એક વર્ગનો મત : અન્ય વર્ગ વૈકલ્પિક મુદ્દાઓ હાથ ધરવાની તરફેણમાં

નવીદિલ્હી, તા. ૧૩ : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ ભારતીય જનતા પાર્ટી ૨૦૨૧માં યોજાનારી પશ્ચિમ બંગાળ ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. અલબત્ત રણનીતિ બનાવવામાં પાર્ટીના નેતાઓ વચ્ચે હવે દુવિધાભરી સ્થિતિ દેખાઈ રહી છે. પાર્ટીના એક વર્ગના લોકો માની રહ્યા છે કે, નાગરિક સુધારા કાનૂન (સીએએ) અને એનઆરસીના મુદ્દા ઉપર દિલ્હી ચૂંટણીમાં થયેલા નુકસાનથી બોધપાઠ લઇને ભાજપને પશ્ચિમ બંગાળમાં વિકલ્પ અને આક્રમક રણનીતિ ઉપર કામ કરવાની જરૂર છે. અન્ય વર્ગ ઇચ્છે છે કે, જુની નીતિ પર જ પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતરવું જોઇએ. ભાજપના વરિષ્ઠ નેતાએ માહિતી આપતા કહ્યું છે કે, દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુશાસનના મુદ્દા ઉપર ચૂંટણીમાં ઉતરવા અને તેને પ્રચંડ જીત મળી હતી. ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટ પૈકી ૧૮ અને દિલ્હીની તમામ સાત સીટો પર જીત મેળવી હતી.

           આ શાનદાર પરિણામના થોડાક મહિના બાદ જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આનો મતલબ એ થયો કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી વચ્ચે લોકોના અભિપ્રાય સતત બદલાઈ જાય છે. લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત ભાજપે તમામ સીટો ઉપર સપાટો બોલાવ્યો છે પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૨૦૧૫ અને ૨૦૨૦ બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ તમામ બાબતોથી બોધપાઠ લઇને બંગાળમાં પાર્ટી એકમ સાવચેતીપૂર્વક આગળ વધવા માંગે છે. વિધાનસભાના ચૂંટણીના મુદ્દા જુદા હોય છે જેથી રણનીતિ પણ એ રીતે બનાવી પડશે. રાષ્ટ્રીય ચૂંટણીવાળી રણનીતિ વિધાનસભામાં અસરકારક રહે તે જરૂરી નથી. ભાજપના નેતાએ કહ્યું છે કે, બંગાળમાં ચૂંટણી પ્રચારમાં અમે માત્ર સીએએ અને એનઆરસીના મુદ્દાના આધારે રહીશું નહીં. જો સરકારમાં આવવું છે તો વિકલ્પ તરીકે બીજા મુદ્દાઓને પણ સાથે લેવા પડશે.

            બંગાળમાં ટીએમસીની સરકાર રાજ્યમાં નાગરિક સુધારા કાનૂન લાગૂ કરી રહી નથી. સાથે સાથે ઘુસણખોરોને પણ બહાર કરી રહી નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેના અમલીકરણ માટે જોરદાર દબાણ લાવ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના નજીકના નેતાનો અલગ અભિપ્રાય છે. તેમના કહેવા મુજબ બંગાળમાં પાર્ટીની રણનીતિમાં ફેરફાર કરવાની કોઇ જરૂર નથી. કારણ કે, આક્રમક રાજનીતિના લીધે જ પાર્ટીએ સારા પરિણામ મેળવ્યા છે. ટીએમસી જેવી પાર્ટીઓનો સામનો કરવા  આક્રમકતા જરૂરી દેખાઈ રહી છે. તેમણે કહ્યું છે કે, ચૂંટણીમાં ભલે અમારી પાસે અન્ય વૈકલ્પિક મુદ્દા રહેશે પરંતુ સીએએ અને એનઆરસી પર વલણ કઠોર રાખવામાં આવશે. એએપીના હાથે દિલ્હીમાં હાર થયા બાદ બંગાળ જેવા રાજ્યમાં વધુ સાવચેતીપૂર્વક અને વધુ આદર્શ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(7:56 pm IST)