Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ફેસબુક, ગૂગલ ટોપ ૧૦ કાર્યસ્થળની યાદીમાંથી બહાર

આ કંપનીઓના એકિઝકયુટીવ નિર્ણયોનો કર્મચારીઓએ જાહેરમાં વિરોધ નોંધાવતા રેન્કિંગમાં પાછળ ધકેલાઈ

વોશિંગ્ટન, તા.૧૨: છેલ્લા એક દાયકામાં ફેસુબક વિશ્વના સૌથી શ્રેષ્ઠ કાર્યસ્થળની યાદીમાં ત્રણ વખત ટોચના સ્થાને રહી છે પરંતુ હવે આ સોશિયલ મીડિયા જાયન્ટ કંપની શ્રેષ્ઠ કાર્ય સ્થળની યાદીમાં નીચે સરકીને ૨૩માં ક્રમે આવી ગઈ છે. ટોચની ફેસબુક ઈન્ક તેમજ આલ્ફાબેટની ગૂગલ જેવી ટેક. કંપનીઓ હવે વિશ્વની ટોપની ૧૦ કામ કરવા જેવી કંપનીઓની યાદીમાં સ્થાન નથી ધરાવી રહી. અગાઉ આ કંપનીઓમાં કામ કરવું એ દરેકનું સપનું રહેતું હતું. આ દિગ્ગજ કંપનીઓ દ્વારા અપાતા તોતિંગ પગાર અને ભથ્થાને લઈને લોકો આ કંપનીઓમાં કામ કરવા તલપાપડ રહેતા હતા. જો કે હવે આ કંપનીઓમાં કામ કરવાની ઈચ્છાઓમાં ઓટ આવતી જોવા મળી છે.  

યુએસના સિલિકોન વેલીમાં સ્થિત આ કંપનીઓ વિશ્વના સૌથી શ્રેષ્ઠ કાર્યસ્થળોની યાદીમાં એકથી દસ નંબરમાં કયાંય જોવા મળતી નથી. મંગળવારે ગ્લાસડોરના વાર્ષિક રેન્કિંગની યાદી જાહેર થઈ હતી જે મુજબ હુબસ્પોટ ઈન્ક, એક કલાઉડ કોમ્પ્યૂટિંગ સોફટવેર કંપની, આ યાદીમાં મોખરાના સ્થાને છે. જયારે ટેક. કંપની ડોકયુસાઈન ઈન્ક અને અલ્ટિમેટ સોફટવેર જેવી કંપનીઓ અનુક્રમે ત્રીજા અને આઠમા ક્રમે રહી હતી.

માર્ક ઝુકરબર્ગની ફેસબુક ૨૦૧૧માં સૌપ્રથમ વખત આ યાદીમાં પ્રથમ ક્રમે રહી હતી અને છેલ્લા દસ વર્ષમાં કંપની ત્રણ વખત નંબર વન પોઝિશન મેળવી ચુકી છે. જો કે આ વર્ષે શ્રેષ્ઠ કાર્યસ્થળની યાદીમાં તે નીચે સરકીને ૨૩માં ક્રમે રહી છે. ગૂગલ ઈન્ક પણ ૧૧માં ક્રમે રહી છે. અગાઉ ૨૦૧૫માં ગૂગલને સૌથી શ્રેષ્ઠ કાર્યસ્થળનો તાજ મળ્યો હતો અને આઠ વર્ષ સુધી તે ટોપ ૧૦ બેસ્ટ વર્કપ્લેસમાં રહી હતી. અગાઉ એપલ ઈન્ક સતત ટોચની ૨૫ કંપનીઓમાં સ્થાન ધરાવતી હતી પરંતુ આ વર્ષે તે ૮૪માં ક્રમે ધકેલાઈ છે. એમેઝોન ઈન્ક. કયારેય સકારાત્મક આંતરિક વાતાવરણ માટે જાણીતી નથી અને આ વર્ષે પણ કંપની શ્રેષ્ઠ કાર્યસ્થળની યાદીમાં સ્થાન મેળવી શકી નથી. એમેઝોનને સતત ૧૨માં વર્ષે આ યાદીમાં સ્થાન મળ્યું નથી.

એક જમાનાની દિગજ્જ આઈટી કંપની માઈક્રોસોફટે આ વર્ષે પોતાની પોઝિશનમાં નોંધપાત્ર કૂદકો લગાવ્યો છે અને તે ૩૪માં સ્થાનેથી ૨૧માં સ્થાને પહોચી છે.

શ્રેષ્ઠ કાર્યસ્થળની વાર્ષિક યાદીમાં કર્મચારીઓના પગાર, ભથ્થા, કામ કરવાનો માહોલ અને વરિષ્ઠ મેનેજમેન્ટ સહિતના પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. ફેસબુક અને ગૂગલ જેવી જાયન્ટ ટેક. કંપનીઓ ચાલુ વર્ષે અનેક મુદ્દાઓને લઈને વિવાદનું કેન્દ્ર રહી હોવાથી તે આ યાદીમાં પાછળ ધકેલાઈ છે. આ કંપનીઓમાં નીતિગત નિર્ણયોની કર્મચારીઓએ જાહેરમાં ટીકા કરી હોવાનું પણ જણાયું હતું.

(4:01 pm IST)