Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

પહાડી વિસ્તારોમાં જોરદાર બરફવર્ષા : ઠંડી વધશે

ઉત્તર ભારતના રાજયોમાં આવતા સોમવાર સુધી બરફવર્ષા - વરસાદની હવામાન વિભાગની આગાહીઃ શ્રીનગરનું હવાઈમથક પાંચ દિવસથી બંધ : દિલ્હી - રાજસ્થાનમાં આજે - કાલે વરસાદ પડશે : ઉત્તરાખંડમાં પારો ૪ ડિગ્રીએ પહોંચ્યો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના દ્રાસમાં ન્યુનતમ તાપમાન ઝીરોથી ૧૫.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયુ છે. હવામાન વિભાગ દ્વારા દેશના ઉત્તરના રાજયોમાં ભારે બરફવર્ષા અને વરસાદ પડશે. દિલ્હીમાં આજે અને કાલે હળવા વરસાદ સાથે પવનનું જોર રહેશે. જેનાથી દિલ્હીવાસીઓને પ્રદૂષણથી રાહત મળશે. પંજાબ, હરીયાણા અને રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં પવનની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. તાપમાન ઓછુ અને હવાની ગતિ ધીમી રહેશે. ગાઝીયાબાદ, નોયડા, ગ્રેટર નોયડા, ફરીદાબાદ, ગુંડગાવમાં એકયુઆઈ ક્રમશઃ ૪૪૧, ૪૨૬, ૪૪૯, ૩૯૦ અને ૩૭૦ નોંધાયેલ છે.

જમ્મુ કાશ્મીર અને લદાખમાં હળવો બરફવર્ષા થયેલ. હવામાન વિભાગ દ્વારા આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આજે અને કાલે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે અને પશ્ચિમી વિક્ષોભના પગલે મધ્યમથી ભારે બરફવર્ષા અને વરસાદનો અનુમાન છે. ઉત્તરી કાશ્મીરમાં પ્રસિદ્ધ સ્કાય રીજોર્ટ ગુલમર્ગ, દક્ષિણમાં પહલગાવ અને મધ્ય કાશ્મીરમાં સોનમર્ગ સહિત પહાડી વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી. શ્રીનગરનું હવાઈ મથક પાંચમા દિવસે પણ બંધ રહ્યુ હતું. ઉત્તરાખંડમાં મુકતેશ્વર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યુ હતું. લઘુતમ તાપમાન ૩.૯ ડિગ્રી નોંધાયુ હતું. ન્યુ ટિહરી ૫.૬, પંતનગર ૬.૨ અને દહેરાદૂનમાં ૭.૯ ડિગ્રી તાપમાન નોંધાયેલ. હવામાન વિભાગ દ્વારા આજે - કાલે વરસાદ સાથે ઠંડી સાથે એલર્ટ જારી કરી દેવામાં આવેલ છે.

હિમાચલ પ્રદેશમાં ૧૬ ડિસેમ્બર સુધી વરસાદ સાથે બરફવર્ષા થશે. પંજાબના આદમપુર અને લુધીયાણામાં પણ ન્યુનતમ તાપમાન ૩ ડિગ્રી આસપાસ ઘૂમી રહ્યુ છે.

(11:24 am IST)