Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

૩ વચનો પૂરા હવે સમાન નાગરિક સંહિતાનો નારો

મોદી સરકાર-ર એ ચૂંટણી ઢંઢેરામાં આપેલા ૩ મોટા વાયદા ૭ મહિનામાં પૂરા કર્યાઃ સંઘને આશા છે કે ટૂંક સમયમાં સરકાર જનસંખ્યા નિયંત્રણ કાનુન પણ લાવશે

નવી દિલ્હી તા. ૧ર :.. મોદી સરકાર- ર માં ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચનોમાંથી ત્રણ મોટા વચનો સાત મહિનામાં પુરા થયા છે. દિલચશ્પ વાત એ છે કે આ ત્રણે વચનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વરસો જૂની માંગણીમાંથી જ છે. ભાજપાએ ર૦૧૯ ના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાંથી  આર્ટીકલ ૩૭૦ હટાવવાનું, નાગરિકતા સંશોધન કાયદો લાવવાનું અને ત્રણ તલાક વિરૂધ્ધ કાયદો બનાવવાનું વચન આપ્યું હતું.

બુધવારે ગૃહપ્રધાન અમિત શાહે રાજયસભામાં નાગરિકતા સંશોધન બિલ જયારે ચર્ચા અને પાસ કરવા માટે રજૂ કર્યુ ત્યારે તેમણે પણ ભાજપાના ચૂંટણી ઢંઢેરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહયું કે અમે ચૂંટણી પહેલા જ આ ઇરાદો પ્રજા સમક્ષ રાખ્યો હતો જેને પ્રજાનું સમર્થન મળ્યું. આના જવાબમાં કોંગ્રેસના આનંદ શર્માએ કહયું કે કોઇપણ પક્ષનો ચૂંટણી ઢંઢેરો બંધારણ સાથે ટકરાઇ ન શકે, ન તો તે બંધારણની ઉપરવટ જઇ શકે. આપણે બધાએ બંધારણના શપથ લીધા છે અને બંધારણ જ સર્વોપરી છે.

નાગરીકત્વ સંશોધન બિલ સંસદમાં પાસ થયા પછી ભાજપાનું ત્રીજું મોટું વચન પુરૂ થઇગયું છે.

હવે ભાજપા અને સંઘ પરિવારના લોકોની નજર સમાન નાગરિકતા કાનૂન પર છે. ભાજપા એ પોતાના ચૂંટણી ઢંઢેરામાં એ વચન પણ આપ્યું હતું કે સમાન નાગરીકતા સંહિતા બનાવવા તે કટીબધ્ધ છે. એમાં કહેવાયું છે કે ભાજપા માને છે કે ભારતમાં જયાં સુધી સમાન નાગરીક સંહિતાને  નહીં અપનાવાય ત્યાં સુધી લૈંગિક સમાનતા નહી થઇ શકે. ભાજપા નેતાઓની સાથે સંઘનાં નેતાઓને આશા છે કે હવે આ વચન પુરૂ કરવાની દિશામાં કામ થશે. સંઘના એક નેતાએ કહયું કે જનસંખ્યા નિયંત્રણ કાનૂન અત્યંત જરૂરી છે. જે રીતે ઘણા રાજયોની ડેમોગ્રાફી બદલાઇ ગઇ છે. તેને જોતા આમાં મોડું ન થવું જોઇએ. સંઘના નેતા અનુસાર ભાજપાએ પણ આના માટે પોતાની પ્રતિબધ્ધતા દર્શાવી છે અને અમને આશા છે કે જે રીતે ત્રણ મહત્વના વચનો પુરા થયા છે તેમ આ પણ જલ્દી પુર્ણ થશે.

(11:06 am IST)