Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

હિન્‍દુજા બ્રધર્સના ઝઘડાનો આવ્‍યો અંત

વર્ષોથી ચાલી રહ્યો હતો મિલકતનો વિવાદ

નવી દિલ્‍હી,તા. ૧૨: અબજોપતિ હિન્‍દુજા બ્રધર્સ વચ્‍ચેનો ઝઘડો ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે વાસ્‍તવમાં, હિન્‍દુજા બ્રધર્સે મિલકતને લઈને વર્ષોથી ચાલી રહેલા પારિવારિક વિવાદને સમાપ્ત કરીને હાથ મિલાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હિન્‍દુજા બ્રધર્સનો પરિવાર બ્રિટનનો સૌથી ધનિક પરિવાર છે.

હિન્‍દુજા બ્રધર્સે યુરોપના ઘણા દેશોમાં ચાલી રહેલા કેસોને હાલ માટે રોકવાનો નિર્ણય લીધો છે. ન્‍યૂઝ એજન્‍સી બ્‍લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ મામલાઓને કારણે એક સમયે તમામ ભાઈઓની મહેનતના પડખે ઉભું રહેતું હિન્‍દુજા ગ્રુપ વિઘટનની આરે આવી ગયું હતું.

મનીકંટ્રોલના જણાવ્‍યા અનુસાર, આવા જ એક કેસની સુનાવણી દરમિયાન લંડનના એક ન્‍યાયાધીશે પરિવાર પર ખાસ કરીને હિન્‍દુજા પરિવારના વાલી ૮૬ વર્ષીય શ્રીચંદ હિંદુજાની સંભાળને લઈને ખૂબ જ કડક ટિપ્‍પણી કરી હતી. આ ટિપ્‍પણીએ ૧૦૦ વર્ષથી વધુ જૂના બ્રિટિશ-ભારતીય હિન્‍દુજા જૂથની માલિકીમાં વિભાજનની શક્‍યતા ખોલી. ૪ ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદ હિન્‍દુજાને ડિમેન્‍શિયા છે. ડિમેન્‍શિયામાં લોકો માનસિક રીતે નબળા પડી જાય છે અને તેમની યાદશક્‍તિ જતી રહે છે.

વર્ષ ૨૦૧૪માં ૪ ભાઈઓ વચ્‍ચે સમજૂતી થઈ ત્‍યારે વિવાદ શરૂ થયો હતો. કરાર મુજબ, હિન્‍દુજા જૂથમાં, ‘કંઈ કોઈનું નથી અને બધું દરેકનું છે.' અન્‍ય બે ભાઈઓએ દાવો કર્યો હતો કે આ કરાર હિન્‍દુજા જૂથના ઉત્તરાધિકાર આયોજનને નિયંત્રિત કરે છે. જો કે, શ્રીચંદના પરિવારે આને પડકાર્યો હતો, અને દાવો કર્યો હતો કે જૂથમાં તેમની કુટુંબની શાખાને બાકાત રાખવામાં આવી રહી છે.

હિન્‍દુજા જૂથના મુખ્‍ય વ્‍યવસાયોમાં અશોક લેલેન્‍ડ, GOSL કોર્પોરેશન, હિન્‍દુજા બેંક (સ્‍વિટ્‍ઝર્લેન્‍ડ) અને ઇન્‍ડસઇન્‍ડ બેંક વગેરેનો સમાવેશ થાય છે.

(10:34 am IST)