Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

વિજયની જડીબુટ્ટી મેળવવા માટે ઉમેદવારો જયોતિષીઓના શરણે

ઉમેદવારોએ બાધા-માનતાનો પણ આશરો લીધો : જયોતિષીઓ ઉપરાંત સંતો-ધર્માચાર્યનું પણ શરણું

નવી દિલ્‍હી,તા. ૧૨ : વિધાનસભાની ચૂંટણી માટે પક્ષો દ્વારા ઉમેદવારોને ટિકિટ ફાળવણી શરૃ થઇ ગઇ છે. તમામ ટિકિટવાંચ્‍છુઓના ભાવિનો આગામી દિવસોમાં ફેંસલો થઇ જશે. ચક્રવ્‍યૂહના કોઠા ભેદ્યા બાદ ટિકિટ મળશે કે કેમ અને મળ્‍યા બાદ કયા શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવું તેની તાલાવેલી લગભગ દરેક ઉમેદવારને હોય છે. આ તાલાવેલીના ઉકેલ માટે અનેક ટિકિટવાંચ્‍છુઓ-ઉમેદવારો જયોતિષીઓના શરણે પહોંચ્‍યા છે. ઉમેદવારોએ ટિકિટ અને ત્‍યારબાદ ધારાસભ્‍ય બનવા માટે બાધા-માનતાનો પણ આશરો લીધો છે.

વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની હતી તેના એક વર્ષ અગાઉ જ અનેક ટિકિટવાંચ્‍છુઓ ‘ગોડફાધર' ની શરણે પહોંચી ગયા હતા. સેન્‍સ વખતે પોતાની દાવેદારી કઇ રીતે મજબૂત દર્શાવવી, પોતાની પ્રોફાઇલ અન્‍ય કરતાં મજબૂત છે તેમ દર્શાવવા ટિકિટવાંચ્‍છુઓ કોઇ જ કસર બાકી રાખી નથી. ઉમેદવારો માટે અંતિમ પસંદગી પ્રક્રિયામાં પોતાનું નામ આવે તે માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના દાવેદારોએ જયોતિષાચાર્યો પાસે જઇ પૂછપરછ કરાવી છે. કેટલાક જયોતિષીઓએ તો ટિકિટ મળે તે માટે દાવેદારોને અમુક વિધિ કરવાની પણ જાણ કરી દીધી છે.અનેક ટિકિટ વાંચ્‍છુઓ પોતાને ટિકિટ મળે તે માટે કેટલાક જયોતિષીઓના શરણે પહોંચ્‍યા છે.

ખાસ કરીને જિલ્લા (ગ્રામ્‍ય) વિસ્‍તારોમાં આ બધું વધારે જોવા મળી  રહ્યું છે. જિલ્લાના અગ્રણીઓએ જો પોતાને ટિકિટ ન મળે તો પાર્ટીના અન્‍ય ચોક્કસ વ્‍યક્‍તિને પણ ટિકિટ ન મળવી જોઇએ ત્‍યાં સુધીની લાગણી જયોતિષાચાર્ય સમક્ષ વ્‍યક્‍ત કરી દીધી હોવાનું જાણવા મળ્‍યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષમાં ટિકિટ વાંચ્‍છુઓએ પોતાને જે તે બેઠક પરથી ટિકિટ મળે તે માટે એડી ચોટીનું જોર લગાવ્‍યું છે. અનેકે  જયોતિષીઓ ઉપરાંત ધર્માચાર્યો અને સંતોનું પણ શરણું લીધું છે. ધર્મચાર્યો દ્વારા સૂચવેલા ઉમેદવારને લગતી બેઠક પરથી ટિકિટ આપવામાં આવે તો પોતાના સમાજના અગ્રણીઓ અને લોકોને જે તે ઉમેદવારને મત મળશે તેવું આશ્વાસન અપાઇ રહ્યું છે.

 

ઉમેદવારો-ટિકિટવાંચ્‍છુઓના જયોતિષીઓને સવાલ

  •  ટિકિટ મળશે કે કેમ?
  •  ટિકિટ મેળવવા કઇ વિધિ કરવી પડશે?
  •  હરીફ પર પ્રભુત્‍વ જમાવવા કોઇ મંત્ર આપો ને?
  • ફોર્મ ભરવા કયું મુહૂર્ત ઉત્તમ રહેશે?
  •  કયા રંગના વષા પહેરીને ફોર્મ ભરવા જવું?
  •  પ્રચાર શરૂ કરવા માટે કયો સમય યોગ્‍ય રહેશે?
(10:37 am IST)