Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

આર્ક બિશપ અને મુસ્લિમ સંગઠનોનો જવાબ આપવા તૈયારી : પ૦૦૦ સંતો જારી કરશે મોદી સરકારના સમર્થનમાં ફતવો

ફતવાનો જવાબ ફતવાથી આપવા સંતો મેદાને

નવી દિલ્હી, તા. ૧ર : લોકસભાની ચૂંટણી પૂર્વે દેશમાં ફતવાઓની રાજનીતિ ચરમ પર પહોંચશે તેવું લાગે છે. આર્ક બિશપો દ્વારા મોદી સરકાર વિરૂદ્ધ મોરચો ખોલવા અને દરેક ચૂંટણી પહેલા મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા ફતવા જારી કરવાની પ્રવૃતિ સામે વિહિપ અને અખિલ ભારતીય સંત સમિતિમાં વળતો પ્રહાર કરવાની રણનીતિ ઘડી છે. યોજના હેઠળ ઓકટોબરમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડીયમમાં પ૦૦૦ સંતો દ્વારા પીએમ મોદીના પક્ષમાં ફતવો જારી કરવાની છે.

હાલમાં કૈરાના અને નુરપુરમાં ચૂંટણી પહેલા દેવબંધે ભાજપ વિરૂદ્ધ ફતવો જારી કર્યો હતો તે પછી દિલ્હી અને ગોવાના આર્ક બિશપે ધર્મનિરપેક્ષતા અને લોકતંત્ર ખતરામાં હોવાનો દાવો કરી મોદી સરકાર વિરૂદ્ધ મોરચો ખોલ્યો હતો. અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું છે કે ધર્મ અને રાજનીતિને જોડવું ઉચિત નથી. બંધારણ પણ છુટ નથી આપતું. હિંદુ સંગઠનોમાં કદી ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ સંસ્થાઓની જેમ ધર્મને આધાર બનાવી ધાર્મિક આદેશ નથી આપ્યો પણ હવે ખતરનાક અને અસ્વીકાર્ય ધાર્મિક આદેશ વિરૂદ્ધ મોરચો ખોલવો પડશે. ઓકટરોબરમાં દિલ્હીમાં પ૦૦૦ સંતો એકઠા થશે અને ખ્રિસ્તી-મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓના ફતવાના જવાબમાં મોદી સરકારના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરાશે. (૮.૬)

 

(11:30 am IST)