Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

દવાના રીએકશન બાદ તબિયત સુધરતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને દિલ્હીની એઇમ્સ હોસ્‍પિટલમાંથી રજા અપાઇ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) થી રજા આપી દેવાઈ છે. તેઓ મંગળવારે બપોરે પોતાના ઘર માટે રવાના થયા. તેમને 10મી મેના રોજ રાતે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ એમ્સમાં દાખલ કરાયા હતાં. અહીં તેમને કાર્ડિયાક ઈન્ટેસિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યાં હતાં. હાલાત સુધર્યા બાદ તેમને પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરાયા હતાં. ડોક્ટર નિતિશ નાયકની દેખભાળમાં તબિયત સુધર્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લેવાયો.

એમ્સના સૂત્રોના જણાવ્યાં મુજબ નવી દવાના રિએક્શનના કારણે પૂર્વ પીએમ મનમોહન સિંહને બેચેની મહેસૂસ થવા લાગી હતી. તેમણે જણાવ્યું કે દવા લીધા બાદ ફેબ્રાઈલ રિએક્શન થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. જેથી કરીને ડોક્ટરની નિગરાણીમાં રહી શકે. તેમનો તાવ પણ કંટ્રોલમાં છે. સુરક્ષા કારણોસર ડો.સિંહનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

હાર્ટ પેશન્ટ છે પૂર્વ પીએમ મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહ હાર્ટ સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. તેમની બેવાર બાયપાસ થઈ ચૂકી છે. 1990માં યુનાઈટેડ કિંગડમમાં તેમની પહેલીવાર બાયપાસ થઈ હતી. 2004માં એસ્કોર્ટ્સમાં એન્જિયોપ્લાસ્ટિ થઈ હતી. વર્ષ 2009માં તેઓ એમ્સમા દાખલ થયા હતાં. ત્યારે તેમની બ્લોક્ડ આર્ટરીઝને ઓપન કરવા માટે એક વધુ બાયપાસ કરવામાં આવ્યાં હતી. ડો. મનમોહન સિંહને ડાયાબિટિસ પણ છે.

જાણીતા અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ હાલ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે. તેઓ 2004થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે યુપીએની સરકાર ચલાવી હતી.

(5:09 pm IST)