Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

કચ્છમાં મુંબઈથી આવેલા ૮ ને કોરોના પોઝિટિવ- હજીયે આવવા લાંબી લાઈનો, લોકોમાં ફફડાટ

*ક્વોરેન્ટાઈનના નિયમો, મેડિકલ સર્ટી, પરમીટ વગેરેની સૂચનાઓનું ઉલ્લંઘન ભારે પડી શકે છે, તંત્રની મર્યાદા

(ભુજ) અત્યારે કચ્છમાં ચર્ચા સુરજબારી અને આડેસર ચેકપોસ્ટ ઉપર વતનમાં આવવા લાગેલી વાહનોનો સતત લાંબી લાંબી લાઈનો અને રેડઝોન માંથી કચ્છ આવનારાઓમાં નીકળેલા કોરોના પોઝિટિવ દર્દીઓની છે. ૧૨ મે ના એક જ દિવસે કોરોનાના એક સાથે ૬ દર્દીઓ નીકળતાં લોકોમાં ફફડાટ મચી ગયો છે. કારણકે, છેલ્લા પાંચ દિવસની વાત કરીએ તો, પોઝિટિવ દર્દીઓ ૭ દર્દીઓ તો મુંબઈના જ છે. જ્યારે થોડા દિવસો અગાઉ મુંબઈથી મુન્દ્રા આવેલા ક્રુ મેમ્બરને ગણીએ તો ૮ દર્દીઓ મુંબઈના થયા છે.

       અત્યાર સુધી કચ્છમાં ૧૫ કોરોના પોઝિટિવના દર્દીઓ નોંધાયા હતા. છેલ્લે એક અઠવાડિયામાં જોવા જઈએ તો દોઢ મહિનઆ જ્યાં દર્દીઓની સંખ્યા ૬ હતી તે માત્ર પાંચ જ દિવસમાં વધીને ૧૫ થઈ ગઈ. જેમાં મુંબઈના દર્દીઓની સંખ્યા ૮ છે. એટલે, લોકોમાં ભય અને ફફડાટ છે. આમતો, નિયમો છે, કે કચ્છમાં પ્રવેશ્યા પછી ક્વોરેન્ટાઈન રહેવું, ચેકીંગ કરાવવું, કચ્છમાં પ્રવેશ્યા પૂર્વે તબીબી તપાસ કરાવીને આવવું. પણ, મોટા ભાગના કિસ્સાઓમાં આ બધા નિયમોનોનું પાલન કરવામાં મોટાભાગે બેદરકારી વર્તાય છે. (અપવાદરૂપ કિસ્સાઓ હોઈ શકે છે). તો, તંત્ર પાસે એટલો સ્ટાફ પણ નથી કે, તેઓ આ બધા નિયમોનું કડકાઇથી પાલન કરવી શકે. ભુજમાં ભાજપના એક યુવા નેતાએ પોતાની બિલ્ડીંગમાં મુંબઈથી આવનાર દંપતીની તપાસ માટે તંત્રને જાણ કરી, વિનંતી કરી. પણ, કામગીરીમાં ખો દેવાયો. ધારાસભ્યની નજીકના ગણાતા યુવા નેતાને જો ભુજમાં જ પોતાની સરકારના તંત્રનો કડવો અનુભવ થતો હોય તો, ગામડાઓમાં બહારથી આવનારાઓનું ચેકીંગ અને મોનીટરીંગ રામભરોસે જ રહેવાનું. ભુજની તબીબ યુવતીના કેસમાં તો, કોવિડ ૧૯ હોસ્પિટલમાં તેનું સેમ્પલ લેવાની સૂચના કોણે આપી એ અંગે ખુદ જિલ્લા કલેક્ટ પ્રવીણા ડી.કે. ને તંત્રના નીચેના અધિકારીઓએ ખો આપીને કોરોના વોરિયર એવા જુનિયર ડોક્ટરો ઉપર ખો નાખી દીધો.

         હવે, અત્યારે છેલ્લા ત્રણ દિવસ થયા કચ્છમાં સુરજબારી, આડેસર ચેક પોસ્ટ ઉપર લાગેલી વાહનોની લાંબી લાઈનોની છે. સતાવાર માહિતી મુજબ ૫ તારીખથી ગઈકાલ ૧૧ તારીખ સુધીમાં ૧૪,૭૧૧ જણા આવ્યા છે. તેમનું સ્ક્રીનીગ કરાય છે. ક્વોરેન્ટાઈન કરાય છે. પણ, તેમ છતાંયે પોઝિટિવ દર્દીઓ નીકળ્યા છે. જોકે, તે પહેલાં કચ્છમાં આવનારાઓનો આંકડો, રણ માર્ગે ઘુસેલાઓનો આંકડો મોટો છે. પણ, સવાલ એ જ છે કે, વતનમાં આવનારાઓને આવવા દેવા કે નહીં? એક વર્ગ કહે છે કે, નિયમ પાલન કરનારાઓને આવવા દેવા જોઈએ. બીજો વર્ગ સવાલ ઉઠાવે છે કે, દેશ વિદેશમાં કોરોનાનું સંક્રમણ વધવાનું કારણ લોકોનો પ્રવાસ છે, લોકો નિયમ પાલન કરતા નથી તંત્રની મર્યાદા છે. વળી, કેસ વધશે એમ સ્ટાફ અને હોસ્પિટલમાં બેડના પ્રશ્ન પણ ઉભો થશે. કોરોનામાં એક પેશન્ટ પાછળ ઓછામાં ઓછા ૫૦ થી ૧૦૦ જણાને ક્વોરેન્ટાઈન કરવા પડે છે. હવે, જ્યારે કોરોનાના  'હાઉ' વચ્ચે જ આગળ જીવવું પડશે ત્યારે સૌ જાતે જ અત્યારે પેનિક કર્યા વગર ક્વોરેન્ટાઈન, સોશ્યલ ડિસ્ટનિંગ સહિતના નિયમોનું સખ્ત પાલન કરે તો જ રસ્તો નીકળશે.

(6:31 pm IST)